Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

મુખ્યમંત્રીઓ બાદ કાશીમાં કાલે દેશભરના ૨૦૦ મેયરોનું સંમેલન : નરેન્દ્રભાઇ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે

તમામ મેયરો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજીયાત : રિપોર્ટ વિના પ્રવેશ નહીં : શનિ-રવિ પ્રદર્શન યોજાશે : મુખ્ય અતિથી તરીકે કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ સુરીઃ વિશેષ અતિથિ તરીકે યોગી આદિત્યનાથ હાજર રહેશે : ૪૮૦૦ નગર નિગમ અધ્યક્ષો-કોર્પોરેટરો વર્ચ્યુઅલી જોડાશે

વારાણસી,તા. ૧૬ : કાશી વિશ્વનાથ ધામ કોરીડોરના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ શાસીત ૧૨ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેલ. આ મુખ્યમંત્રીઓ સાથે નરેન્દ્રભાઇએ સુશાસનને લઇને બેઠક પણ કરેલ. પણ હવે કાશીમાં મુખ્યમંત્રીઓ બાદ અહીં દેશભરના ૨૦૦ થી વધુ મેયરો કાલે શુક્રવારે ભેગા થવાના છે. નરેન્દ્રભાઇ મેયર સંમેલનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે.

ઉપરાંત દેશભરના ૪૮૦૦ નગર નિગમ અધ્યક્ષો અને કોર્પોરેટરોમાં પણ સામેલ થશે. જો કે નગર નિગમ અધ્યક્ષો અને કોર્પોરેટરો વર્ચ્યુઅલી જોડાવાના છે. આ સંમેલનના મુખ્ય અતિથિ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ સુરી તથા ખાસ અતિથિ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રહેશે. સંમેલનમાં નગર વિકાસ મંત્રી ટંડન, અખિલ ભારતીય મેયર કાઉન્સીલના અધ્યક્ષ નવીન જૈન, કેબીનેટ મંત્રી અનિલ રાજભર, રાજ્યમંત્રી ડો.નીલકંઠ તિવારી અને રવિન્દ્ર જવસ્વાલ પણ સામેલ થશે.

આ સંમેલનમાં કોરોના ટેસ્ટ જરૂરી બનાવાયો છે. વારાણસી જીલ્લા તંત્ર દ્વારા તમામ મેયરોને આ અંગે જાણ કરી દીધી છે. આરટીપીસીઆર ટેસ્ટ વિના કોઇ પણ મેયર સંમેલનમાં સામેલ નહીં થઇ શકે. આ સંમેલન દીનદયાળ હસ્તકલા સંકુલમાં યોજાનાર છે. જેની થીમ ન્યુ અર્બન ઇન્ડીયા છે.

સંમેલેનમાં મેયરોના પાંચ સમુહો પુના, સુરતમાં સ્વચ્છ ભારત અને અમૃત મિશન હેઠળના કાર્યો ઉપર ચર્ચા કરશે. કાર્યક્રમ કાલે સવારે ૮:૩૦ વાગે શરૂ થશે. નરેન્દ્રભાઇ ૧૦ વાગે સંમેલનનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવશે. સંમેલનમાં ન્યુ અર્બન ઇન્ડીયા અને યુપીમાં શહેરી વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ પ્રદર્શીત કરાશે. ૧૮ તથા ૧૯ ના રોજ નગરીય વિકાસના મોડેલ તથા પ્રોજેકટનું પ્રદર્શન પણ યોજાશે.

(12:34 pm IST)