Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

પ્રિયંકા ગાંધીનું યુપીનું સપનું થશે ચકનાચૂર?

કોંગ્રેસની ટિકિટ માટે મહિલાઓની સંખ્યા ખુબજ ઓછી : ૪૦ ટકા ટિકિટનો કર્યો હતો વાયદો

લખનૌ તા. ૧૬ : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓને ૪૦ ટકા ટિકિટ આપવાનું વચન આપનાર કોંગ્રેસને મહિલાઓ બિલકુલ મળી રહી નથી. યુપી ચૂંટણીમાં ટિકિટ માટે સ્ક્રિનિંગ કમિટિ પાસે જે અરજીઓ આવી છે, તેમાં મહિલાઓ માત્ર થોડી જ છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસની સામે મહિલાઓને વિધાનસભાની ટિકિટ આપવામાં મુશ્કેલી પડી રહી છે.

વાસ્તવમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ યુપીમાં મહિલાઓને ૪૦ ટકા ટિકિટ આપવાનું વચન આપ્યું હતું. તેણે 'હું એક છોકરી છું, હું લડી શકું છું' એવું સૂત્ર પણ આપ્યું છે.

આ પછી, કોંગ્રેસે તેના તમામ અરજદારોને ૧૫ નવેમ્બર સુધીમાં અરજી કરવા કહ્યું હતું. કોંગ્રેસે પણ મહિલાઓને ૪૦ ટકા ટિકિટ અપાશે તેવું કહીને અરજીઓ લેવાનું શરૂ કર્યું હતું. અરજી માટે રૂ. ૧૧ હજારનો ડીડી પણ જમા કરાવવામાં આવ્યો છે.

જોકે, સમયમર્યાદા પૂરી થયા બાદ જયારે સ્ક્રીનિંગ કમિટીએ અરજદારોની ચકાસણી શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે મહિલા અરજદારોની સંખ્યા ઘણી ઓછી છે. લખનૌ સીટ માટે ૧૧૦ અરજદારો આવ્યા હતા, જેમાંથી માત્ર ૧૮ મહિલાઓ છે. તેવી જ રીતે, લખનૌ સેન્ટ્રલના ૧૫ દાવેદારોમાંથી ૭ મહિલાઓ છે. મોહનલાલગંજમાં ૭માંથી ૩  સ્ત્રીઓ, પૂર્વમાં ૧૧માંથી ૩  સ્ત્રીઓ, કેન્ટમાં ૯માંથી ૨  સ્ત્રીઓ અને ઉત્તરમાં ૯માં ૨  સ્ત્રીઓ છે. લખનૌમાં, ૭ જિલ્લાના અરજદારોની તપાસ કરવામાં આવી હતી, જેમાં પુરુષોની સંખ્યા ઘણી વધારે હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સમગ્ર રાજયમાં ૧૭૦૦થી વધુ ફોર્મ આવ્યા છે. આવી સ્થિતિમાં જો કયાંય મહિલા અરજદારો ન હોય તો મહિલા ઉમેદવાર શોધવાનો મોટો પડકાર રહે છે.

(12:34 pm IST)