Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે PM મોદી સાથે મુલાકાત કરી

મહાન અર્થશાસ્ત્રીઓમાંના એક છે ગીતા ગોપીનાથ : આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને મેક્રો ઇકોનોમિકસ પરના તેમના સંશોધન માટે પણ જાણીતા છે

નવી દિલ્હી તા. ૧૬ : ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા ટ્વીટમાં આ માહિતી આપવામાં આવી છે. જો કે બંને વચ્ચે શું વાતચીત થઇ તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. પીએમઓએ જણાવ્યું કે, IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

૪૯ વર્ષીય અગ્રણી ભારતીય-અમેરિકન અર્થશાસ્ત્રી જાન્યુઆરી ૨૦૧૯માં IMFમાં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે જોડાયા હતા. મૈસુરમાં જન્મેલા ગોપીનાથ ગ્લોબલ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટના પ્રથમ મહિલા મુખ્ય અર્થશાસ્ત્રી છે. તાજેતરમાં, IMFએ કહ્યું હતું કે ગોપીનાથ આવતા વર્ષે જાન્યુઆરીમાં નોકરી છોડી દેશે અને પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં પરત ફરશે.

ગીતા ગોપીનાથ મહાન અર્થશાસ્ત્રીઓમાંના એક છે. તેઓ આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ અને મેક્રો ઇકોનોમિકસ પરના તેમના સંશોધન માટે પણ જાણીતા છે. આ સિવાય તેમના ઘણા સંશોધન ઇકોનોમિકસ જર્નલ્સમાં પણ પ્રકાશિત થયા છે. વર્ષ ૨૦૧૯માં તેમને પ્રવાસી ભારતીય સન્માન આપવામાં આવ્યું હતું. તે ૨૦૧૯ થી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કામ કરી રહ્યા છે.

ગીતા ગોપીનાથનો ભારત સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. તેમનો જન્મ ભારતમાં થયો હતો અને તેણે વર્ષ ૧૯૯૨માં દિલ્હીની લેડી શ્રી રામ કોલેજ (LSR)માંથી અર્થશાસ્ત્રમાં ઓનર્સ કર્યું હતું. આ પછી, તેમણે દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિકસ (DSE)માંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર કર્યું.બાદમાં ૧૯૯૪માં તે વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ગયા અને ૧૯૯૬થી ૨૦૦૧ સુધી તેણે પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું.

(10:10 am IST)