Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

નોકરી ન મળતાં નારાજ થઇ યુવતી! ૧૨૦ દિવસ પાણીની ટાંકી પર ચઢીને કરી રહી છે વિરોધ

શિખાનો દાવો છે કે તેણે લખનઉ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે, પરંતુ હજુ પણ નોકરી માટે સંઘર્ષ કરવા મજબૂર છે : પાણીની ટાંકી ઉપર પોતાના દિવસો અને ડિસેમ્બરની ઠંડી રાતો વિતાવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે

લખનઉ,તા.૧૬: લખનઉમાં છેલ્લા ૧૨૦ દિવસથી એક મહિલા અલગ પ્રકારનું વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ કડકડતી ઠંડીમાં ૩૬ વર્ષીય શિખા પાલ લખનઉના નિશાતગંજ વિસ્તારમાં શિક્ષણ નિદેશાલય પાસે પાણીની ટાંકી ઉપર રહે છે. તેમનો ધ્યેય કોઈ પણ પ્રકારનો રેકોર્ડ બનાવવાનો નથી, પરંતુ તે એક પ્રકારનો વિરોધ છે. શિખાએ કહ્યું છે કે સરકાર તેમનો ૨૨,૦૦૦ સીટોમાં સમાવેશ કરે, જે તાજેતરમાં શિક્ષણના ૬૯,૦૦૦ પદ પર ભરતી દરમિયાન ખાલી થઇ હતી.

શિખાનો દાવો છે કે તેણે લખનઉ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે, પરંતુ હજુ પણ નોકરી માટે સંઘર્ષ કરવા મજબૂર છે. તેનું કહેવું છે કે તેને પાણીની ટાંકી ઉપર પોતાના દિવસો અને ડિસેમ્બરની ઠંડી રાતો વિતાવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે.

શિખાએ કહ્યું કે, 'હું વોશરૂમનો ઉપયોગ કરવા સિવાય અન્ય કોઈ વસ્તુ માટે મારી જગ્યા છોડતી નથી. ટાંકી નીચે વિરોધ કરનારાઓ દોરડા વડે મને બેગમાં ખોરાક અને અન્ય જરૂરી વસ્તુઓ આપે છે. હું પાવર બેંકનો ઉપયોગ કરીને મારો મોબાઇલ ફોન ચાર્જ કરું છું. મારી માતા મારા પર નિર્ભર છે, પરંતુ હું સતત વિરોધ કરી રહી છું.

શિખાએ કહ્યું કે તે શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળામાં ભણાવવા માટે પણ તૈયાર છે. શિખાનું કહેવું છે કે ૧૨૦ દિવસ થઈ ગયા છે, પરંતુ સરકારે મારા વિરોધની નોંધ પણ લીધી નથી.

આ દરમિયાન, શાળા શિક્ષણના મહાનિર્દેશક અનામિકા સિંહે કહ્યું, 'તે અમને ઘણી વખત મળી છે. અમે તેમને ઘણી વસ્તુઓ સમજાવી છે. વિરોધ કરવાનો આ રસ્તો નથી. અમે તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવીએ છીએ. અમે વાતચીત માટે તૈયાર છીએ.

(10:07 am IST)