Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

શું થશે મોંઘુ અને શું મળશે સસ્તુ ?

ડોલર સામે રૂપિયો ૨૦ મહિનાની નીચી સપાટીએ લપસ્યો

રૂપિયો ૪૦ પૈસાની નબળાઇ સાથે ૭૬.૨૮ ના સ્તર પર બંધ થયો હતો : ૨૪ એપ્રિલ ૨૦૨૦ પછી રૂપિયાનું આ સૌથી નબળુ સ્તર છે

મુંબઇ,તા. ૧૬: ફેડરલ રિઝર્વના સંકેતોને પગલે બજારમાંથી વિદેશી રોકાણકારોના બજારની બહાર નીકળી જવાથી અને વર્ષના અંતમાં ડોલરની માંગમાં વધારો થવાને કારણે ડોલર સામે રૂપિયા પર ભારે દબાણ જોવા મળ્યું છે. રૂપિયો ૨૦ મહિનાના તળિયે સરકી ગયો છે.

ગઇ કાલે કારોબારમાં રૂપિયો શરૂઆતથી જ દબાણ હેઠળ હતો. કારોબારના અંતે આ દબાણ વધુ વધ્યું ત્યારબાદ રૂપિયો ૪૦ પૈસાની નબળાઈ સાથે ૭૬.૨૮ ના સ્તર પર બંધ થયો હતો. ૨૪ એપ્રિલ ૨૦૨૦ પછી રૂપિયાનું આ સૌથી નબળું સ્તર છે. રૂપિયામાં નબળાઈનું સૌથી મોટું કારણ વિદેશી રોકાણકારોનું વેચાણ છે. જ્ભ્ત્સ્ન પણ મંગળવારે નેટ સેલર હતા અને તેમણે બજારમાંથી રૂ ૭૬૩.૧૮ કરોડનું વેચાણ કર્યું હતું, ઓમિક્રોન અને ફેડરલ રિઝર્વના સંકેતોને કારણે વિદેશી રોકાણકારો બજારથી દૂર થઇ રહ્યા છે.

નબળા રૂપિયા સાથે વિદેશ પ્રવાસ, વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કે વિદેશથી લેવામાં આવતી અન્ય કોઈપણ સેવાના ખર્ચ પર વધારાની ચુકવણી કરવી પડશે. એટલું જ નહીં, જરૂરિયાતને પહોંચી વળવા માટે ભારતમાં પેટ્રોલિયમ પેદાશો, મોબાઈલ ફોન, ખાદ્યતેલ, કઠોળ, સોનું-ચાંદી, રસાયણો અને ખાતરની પણ આયાત કરવામાં આવે છે એટલે કે રૂપિયો નબળો પડવાને કારણે તે તમામની આયાત પાછળ ખર્ચ વધી ગયો છે. તે જ સમયે ક્રૂડ ઓઇલમાં ઘટાડાની અસર પણ ઓછી થશે. એટલે કે જો તમે ક્રૂડ ઓઇલમાં ઘટાડાને કારણે પેટ્રોલ સસ્તું થવાની આશા રાખી રહ્યા છો તો નબળા રૂપિયાના કારણે તમારી આશા તૂટી શકે છે.

રૂપિયો નબળો પડવાથી માત્ર ગેરફાયદા જ નથી પરંતુ કેટલાક ફાયદા પણ છે જેમ કે નબળો રૂપિયો વિદેશથી આયાત કરવામાં આવતો માલ મોંઘો બનાવે છે. એ જ રીતે ભારતમાંથી વિદેશમાં જતા માલ માટે પણ સારા પૈસા મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો જો તમારે ડોલર માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે તો તેના બદલામાં તમને ડોલરના વધુ રૂપિયા મળશે. એટલે કે દેશમાંથી માલ કે સેવાઓની નિકાસ કરનારાઓ માટે નબળો રૂપિયો ફાયદાકારક છે. ભારતમાંથી પાર્ટસ, ચા, કોફી, ચોખા, મસાલા, દરિયાઈ ઉત્પાદનો, માંસ જેવી પ્રોડકટની નિકાસ થાય છે અને આ બધાના નિકાસકારોને રૂપિયાના નબળા પડવાના કારણે ફાયદો થશે.

(10:07 am IST)