Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

બે દિવસની દેશવ્યાપી બેંક હડતાલનો પ્રારંભ

સરકારે ખાનગીકરણના હાથ ધરેલા પ્રયાસોના વિરૂધ્ધમાં ગુજરાતના ૪૮૦૦ શાખાઓના ૭૦,૦૦૦ સહિત દેશના ૯ લાખ કર્મચારીઓ હડતાલ ઉપર : ગુજરાતમાં જ ૨૦,૦૦૦ કરોડના નાણાકીય વ્યવહારો ખોરવાયાઃ કર્મચારીઓ દ્વારા ઠેરઠેર વિરોધ પ્રદર્શન

રાજકોટ, તા.૧૬: કેન્દ્ર સરકારે સરકારી બેંકોના ખાનગીકરણના હાથ ધરેલા પ્રયાસોના વિરોધમાં આજથી બેંક કામદારોની બે દિવસની હડતાલનો પ્રારંભ થયો છે. આજે દેશભરની સરકારી બેંકો સજ્જડ બંધ રહી છે. જયારે સહકારી અને ખાનગી બેંકો ચાલુ રહી છે. બેંક હડતાલના કારણે દેશભરમાં બેંકીંગ કામકાજ વેરવિખેર થઇ ગયુ છે. બે દિવસની હડતાલના પ્રથમ દિવસે બેંક કામદારોએ ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો.

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના આદેશથી ગુજરાતના ૭૦,૦૦૦ સહિત  દેશભરના ૯ લાખથી વધુ બેંક કામદારો કામકાજથી દુર રહ્યાં છે. ગુજરાતમાં સરકારી બેંકોની ૪૮૦૦ શાખાઓ બંધ રહેતા ૨૦,૦૦૦ કરોડના નાણાકીય વ્યવહારો ઠપ્પ થઇ ગયા છે.

આજે સૌરાષ્ટ્રમાં હડતાલને સજ્જડ પ્રતિસાદ મળ્યો છે. ઠેરઠેર કામદારોએ સરકાર વિરોધી દેખાવો યોજયા હતાં.

બેન્ક યુનિયનના નેતાઓએ માગણી કરી હતી કે સરકાર ચોખ્ખા શબ્દોમાં ખાતરી આપે કે રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણનો ખરડો સંસદમાં શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહિ. તેમનું કહેવું છે કે સરકારે તેના ઇરાદા અંગે સ્પષ્ટ શબ્દોમાં નિવેદન આપવું જોઈએ. આ નિવેદન બીજા કોઈ તરફથી નહિ, ખુદ મંત્રી તરફથી જ થવું જોઈએ તેવી પણ તેમની માગણી છે.  તદુપરાંત સરકાર રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીરકરણના એજન્ડા સાથે હવે પછી પણ આગળ વધશે નહિ તેની ખાતરી આપવી પડશે. કેન્દ્ર સરકારે અગાઉ એવો નિર્દેશ આપ્યો છે કે બેન્કિંગ લો એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૧ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવા માટે લિસ્ટ કરવામાં આવ્યું છે. આ બિલ પાસ કરી જ દેવામાં આવશે તેવું નિશ્ચિત નથી.

બેન્ક યુનિયનના નેતાઓને દહેશત છે કે એકવાર શિયાળુ સત્રમાં બેન્કિંગ એમેન્ડમેન્ટ બિલ લિસ્ટ કરી દેવામાં આવે તે પછી કેન્દ્ર સરકાર ગમે તેમ કરીને તે ખરડો પસાર કરાવી દેશે. દસ રાષ્ટ્રીયકૃત બેન્કોને જોડીને તેમાંથી ૪ બેન્કો બનાવવાને કારણે રાષ્ટ્રીયકૃત બેન્કના પરફોર્મન્સમાં શું ફરક પડે છે તે જરાય સ્પષ્ટ થતું નથી. તેનાથી બેન્કના ખાતેદારોને શું લાભ મળે છે તે પણ સ્પષ્ટ થતું નથી.

કેન્દ્ર સરકારે બેન્કિંગ  લો એમેન્ડમેન્ટ બિલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવા માટે લિસ્ટ કરાવ્યું છે. આ બિલમાં બેન્કિંગ કંપનીઝ (એકિવઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અન્ડરટેકિંગ) એકટ૧૯૭૦-૧૯૮૦ અને બેન્કિંગ રેગ્યુલેશન એકટ ૧૯૪૯માં સુધારો કરીને રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણનો માર્ગ મોકળો કરી દેવા માગે છે. સરકારે ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષ દરમિયાન જાહેરક્ષેત્રની બે બેન્કોના ખાનગીકરણના તેના ઇરાદાનો આ અગાઉ જ અણસાર આપેલો છે.

છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે ૧૪ રાષ્ટ્રીયત બેન્કોનું વિલીનીકરણ (મર્જર) કરી દીધું છે. કેબિનેટ કમિટી ઓન પ્રાઈવેટાઈઝેશને હજી સુધી કઈ બે રાષ્ટ્રીયકૃત બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે તેના નામની જાહેરાત કરી નથી.

છેલ્લા બે દાયકામાં ઘણી ખાનગી બેન્કોના વાવટા સંકેલાઈ ગયા છે. તેની સામે ભારતમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની કુલ ૧,૧૮ લાખ બ્રાન્ચ છે. તેમાં કુલ મળીને ૧૫૭ લાખ કરોડની ડિપોઝિટ છે. બેન્કોએ મળીને ૧૧૦ લાખ કરોડનું ધિરાણ આપેલું છે. તેણે દસ વર્ષમાં ૧૪,૭૮,૨૮૯ કરોડનો કુલ નફો કર્યો છે.

કોર્પોરેટ ડિફોલ્ટર્સના કેસમાં મોટી રકમના હેર કટ એટલે કે બેન્કે આપેલા ધિરાણની રકમ કરતાં ઓછી રકમમાં સેટલમેન્ટ કરવામાં આવ્યા હોવાથી બેન્કોની નુકસાની વધી છે. તેમાં પણ બીજી મોટી કંપનીઓને જ તગડો લાભ કરાવવામાં આવ્યો છે.

(10:06 am IST)