Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોરોનાના સંકટ વચ્ચે રાહત : ફાઈઝરની દવા ૮૯ ટકા સુધી અસરકારક

યુએસમાં ડેલ્ટા વેરિએન્ટના કારણે જે મૃતકઆંક વધવાનું કારણ વાતાવરણમાં આવેલો પલટો

નવી દિલ્હી,તા.૧૫: કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટને લઈ સતત એવા સવાલો થઈ રહ્યા છે કે, વર્તમાન વેકિસન તેના પર કેટલી કારગર છે. ત્યારે આ બધા વચ્ચે વેકિસનમેકર કંપની ફાઈઝરે કરેલા દાવા પ્રમાણે તેમની એન્ટી વાયરલ દવા ઓમિક્રોન પર કારગર છે. આ માટે કંપનીએ ૨,૨૫૦ લોકો પર કરવામાં આવેલા અભ્યાસનો હવાલો આપ્યો હતો.

અભ્યાસ પ્રમાણે ફાઈઝરની આ દવા ૮૯ ટકા સુધી કોરોનાના લક્ષણ દેખાયા બાદ હાઈ રિસ્કવાળા દર્દીઓનો હોસ્પિટલમાં દાખલ થવાનો દર ઘટાડે છે અને દવા લીધા બાદ મૃત્યુદર પણ ઘટે છે.

 અલગ લેબમાં ઓમિક્રોન વેરિએન્ટ પર થયેલા આ પ્રયોગમાં દવા ઓમિક્રોન વેરિએન્ટ પર અસરકાર જણાઈ હતી. ફાઈઝરે આ એન્ટી વાયરલ ડ્રગનો ઉપયોગ માનવનિર્મિત પ્રોટીન પર કર્યો હતો અને આ પ્રોટીનના માધ્યમથી જ ઓમિક્રોન પોતાનું ફરી સર્જન કરી લે છે.

અમેરિકામાં કોરોનાનો મૃતકઆંક અને હોસ્પિટલમાં દાખલ થવાનો દર સતત વધી રહ્યો છે તેવા સમયે ફાઈઝર દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે ૮ લાખ લોકોના મોત થઈ ચુક્યા છે. અમેરિકામાં ડેલ્ટા વેરિએન્ટના કારણે જે મૃતકઆંક વધ્યો છે તેનું એક કારણ વાતાવરણમાં આવેલો પલટો છે. જ્યારે બીજું મોટું કારણ એ છે કે, લોકો મોટી સંખ્યામાં ઘરની અંદર એકઠા થઈ રહ્યા છે.

ફાઈઝરે ભલે આ એન્ટી વાયરલ દવા પર પ્રયોગ કરી લીધો હોય પરંતુ હાલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તેને મંજૂરી આપે તેની રાહ જોવાઈ રહી છે. એક વખત મંજૂરી મળ્યા બાદ અમેરિકન્સ તેને ફાર્મસી, મેડિકલ સ્ટોરમાંથી ખરીદીને તેનું સેવન કરી શકશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ આ દવા કોરોના સામેની લડાઈમાં મજબૂત હથિયાર બનશે તેમ કહ્યું હતું.

(12:00 am IST)