Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

આર્યનખાનને હવે દર અઠવાડિયે મુંબઈ NCB ઓફિસમાં જવાની જરૂર નથી: ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઇકોર્ટે આપી રાહત

કેન્દ્રીય એજન્સી દ્વારા 72 કલાકની નોટિસ આપવામાં આવે તો તે તેમની સમક્ષ હાજર થશે.

મુંબઈ : ક્રુઝ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યનને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. આર્યનને હવે દર અઠવાડિયે મુંબઈ NCB ઓફિસમાં જવાની જરૂર નથી. કોર્ટે એમ પણ કહ્યું કે જ્યારે પણ આર્યન ખાનને NCBની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દિલ્હીમાં બોલાવશે, ત્યારે તે કેન્દ્રીય એજન્સી દ્વારા 72 કલાકની નોટિસ આપવામાં આવે તો તે તેમની સમક્ષ હાજર થશે.

આ સિવાય જ્યારે પણ આર્યનને મુંબઈની બહાર જવું હોય તો તે પહેલા તપાસ અધિકારીઓને તેની જાણ કરશે. હવે કોર્ટના આ નિર્ણય બાદ આર્યનને મોટી રાહત મળી છે.

જણાવી દઈએ કે આર્યનને 26 દિવસ જેલમાં રહ્યા બાદ 28 ઓક્ટોબરે જામીન મળ્યા હતા. આર્યનને 14 શરતો પર જામીન આપવામાં આવ્યા હતા, જેમાં એક NCB ઓફિસમાં હાજરીનો સમાવેશ થાય છે.

આર્યનએ વચગાળાની અરજી દ્વારા કહ્યું હતું કે આ મામલો હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) NCBની દિલ્હી ઑફિસ પાસે હોવાથી, આર્યન માટે દર શુક્રવારે મુંબઈમાં NCB ઑફિસમાં હાજરી આપવી જરૂરી નથી. કોર્ટના નિર્દેશો મુજબ આર્યન 5, 12, 19 અને 26 નવેમ્બર અને 3 અને 10 ડિસેમ્બરે NCBની મુંબઈ ઓફિસમાં હાજર થયો હતો.

આર્યને પોતાની અરજીમાં એમ પણ કહ્યું હતું કે દર શુક્રવારે જ્યારે તે મુંબઈમાં NCB ઓફિસમાં હાજરી આપવા માટે આવે છે ત્યારે NCB ઓફિસની બહાર મીડિયા ફોટોગ્રાફર્સની ભીડને કારણે પોલીસ અધિકારીઓને તેની સાથે રહેવું પડે છે. અરજી અનુસાર, પ્રેસ દ્વારા તેમની સતત પૂછપરછ કરવામાં આવે છે અને તેમના ફોટા ક્લિક કરવામાં આવે છે જે યોગ્ય નથી.

(12:00 am IST)