Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સોહેલખાન નો પુત્ર, સીમા ખાનની બહેન કોરોના પોઝિટીવ

બોલિવૂડમાં પાર્ટી કલ્ચર ભારે પડી રહ્યું છે : કરણ જોહરની પાર્ટી બાદ કરિના કપૂર, અમૃતા અરોરા સહિતના બોલિવૂડ સ્ટાર્સ કોરોનાથી સંક્રમિત થયા હતા

મુંબઈ, તા.૧૫  : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન અને અમૃતા અરોરા સિવાય અભિનેતા સોહેલ ખાનની પત્ની સીમા ખાન પણ કોરોના સંક્રમિત થઈ છે. હવે જાણકારી મળી છે કે, સીમા અને સોહેલના ૧૦ વર્ષના દીકરા યોહાનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આટલુ જ નહીં, સીમા ખાનની બહેનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

રિપોર્ટના અનુસાર, બીએમસીએ કોરોનાના નિયમોનું પાલન કરતાં સીમા ખાન અને તેનો દીકરો યોહાન જ્યાં રહે છે તે સ્થળને સીલ કરી લીધું છે. સીમા અને સોહેલ પાછલા બે વર્ષથી અલગ અલગ રહે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બીએમસીએ આ બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકોનો પણ આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની શરુઆત કરી છે. રિપોર્ટ આવ્યા પછી જ જાણવા મળશે કે કેટલા લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. તમામ લોકોના રિપોર્ટ આવ્યા પછી બિલ્ડિંગના ફ્લોર અનલોક કરવામાં આવશે. અત્યારે સીમા જે માળે રહે છે, તેને સીલ કરવામાં આવ્યો છે.

બિલ્ડિંગ અસોસિએશનના સચિવ મધુ પોપલઈએ આ વાતની પૃષ્ટિ કરી છે અને કહ્યું છે કે, આ વાત સાચી છે. જોઈએ કે હવે આગળ શું થાય છે. અમને આશા છે કે સ્થિતિ વહેલીતકે સામાન્ય થઈ જશે. ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, બીએમસીએ કહ્યું કે સીમા ખાન પહેલી હતી જેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારપછી કરીના અને અમૃતા કોરોના પોઝિટિવ હોવાની ખબર સામે આવી હતી.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લોકોએ આઠમી ડિસેમ્બરના રોજ ફિલ્મમેકર કરણ જોહરના ઘરે પાર્ટી કરી હતી. સીમાને સામાન્ય લક્ષણ હતા અને તેનો રિપોર્ટ ૧૧મી ડિસેમ્બરના રોજ પોઝિટિવ આવ્યો હતો. ત્યારપછી કરીના અને અમૃતાએ ટેસ્ટ કરાવ્યો હતો. અત્યારે કરીના કપૂરની બિલ્ડિંગને પણ સીલ કરવામાં આવી છે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે.

કરીના કપૂર અત્યારે પોતાના ઘરે હોમ ક્વોરન્ટાઈન થયેલી છે. તેના બાળકો તૈમૂર અને જેહ પણ સાથે જ છે.

રણધીર કપૂરે જણાવ્યુ હતું કે, મેં કરીનાને કહ્યુ હતું કે બાળકોને મારી પાસે મોકલી આપ, પરંતુ તેણે કહ્યું અહીંયા પણ તેઓ સુરક્ષિત છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સૈફ અલી ખાન પાછલા એક અઠવાડિયાથી મુંબઈથી બહાર છે. તે ઘરે ક્યારે પાછો ફરશે તેની કોઈ જાણકારી નથી.

 

(12:00 am IST)