Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ઓમિક્રોન વધારે ઝડપથી ફેલાશે, જાન્યુ.-ફ્રેબ્રુ.માં ભારતમાં કેસ વધશે

વિશ્વભરમાં ઓમિક્રોનના કહેરથી ભારતમાં ફફડાટ : નવા વેરિયન્ટ ઓમિક્રોન પર કરવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે તે હવે સ્થાનિક રોગના સ્ટેજ પર પહોંચી રહ્યું છે, તેનાથી ગભરાવાની જરૂર નથી

        નવી દિલ્હી, તા.૧૫  : કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે. દક્ષિણ આફ્રિકાથી બ્રિટન સુધી ઓમિક્રોનના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન, ભારતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ નવા વેરિઅન્ટના કેસમાં વધારો થવાની ધારણા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આ સમયગાળા દરમિયાન ઓમિક્રોનના કેસ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ શકે છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે દેશમાં ઓમિક્રોનના ફેલાવાની ઝડપ ડેલ્ટા કરતા વધુ હોઈ શકે છે. તેમણે કહ્યું કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઓમિક્રોનના કેસ ખૂબ જ ઝડપથી વધી શકે છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ઓમિક્રોનનો ચેપ બહુ ગંભીર નહીં હોય.

અધિકારીએ કહ્યું કે ઓમિક્રોન પર કરવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે તે હવે સ્થાનિક રોગના સ્ટેજ પર પહોંચી રહ્યું છે અને તેનાથી ગભરાવાની જરૂર નથી. આ તબક્કામાં ચેપ ઝડપથી થશે પરંતુ તે ગંભીર નહીં હોય.

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં ૬૧ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ ૨૮ કેસ છે. દિલ્હીમાં ઓમિક્રોનના ૬ કેસ મળી આવ્યા છે. રાજસ્થાનમાં ૧૭ અને ગુજરાતમાં અત્યાર સુધી ૪ કેસ નોંધાયા છે, જેમાં ૩ જામગનર અને એક સુરતનો છે.

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે રાજ્યમાં ઓમિક્રોનના આઠ નવા કેસ નોંધાયા છે અને આમાંથી કોઈ પણ દર્દીએ તાજેતરમાં વિદેશ પ્રવાસ કર્યો નથી. આરોગ્ય વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે નવા કેસ સાથે રાજ્યમાં સાર્સ-કોવ-૨ના નવા સ્વરૂપથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૨૮ થઈ ગઈ છે. તેમાંથી મુંબઈમાં સાત કેસ નોંધાયા છે અને સંક્રમિતોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઈવી) પુણેના અહેવાલ મુજબ રાજ્યમાં વધુ આઠ દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા હતા. હેલ્થ બુલેટિનમાં જણાવાયું હતું. જેમાંથી સાત દર્દી મુંબઈના અને એક દર્દી વસઈ-વિરારનો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ આઠ લોકોમાંથી સાત લોકોને કોવિડ-૧૯ સામે રસી આપવામાં આવી છે અને તેમના સેમ્પલ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગે કહ્યું કે તમામ સંક્રમિતો ૨૪થી ૪૧ વર્ષની વય જૂથના છે. આઠમાંથી ત્રણમાં કોઈ લક્ષણો દેખાતા નથી, જ્યારે પાંચમાં ચેપના હળવા લક્ષણો છે. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રારંભિક માહિતી મુજબ તેમાંથી કોઈ પણ અન્ય દેશોમાંથી પાછા ફર્યા નથી. પરંત આ લોકોમાંથી એક બેંગલુરુ ગયો હતો, જ્યારે અન્ય નવી દિલ્હીની મુલાકાતે ગયો હતો. ઓમિક્રોન વાયરસ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે ઓમિક્રોનના ફેલાવાની ઝડપ ખૂબ જ ઝડપી છે અને અત્યાર સુધીમાં તે ૭૭ દેશોમાં ફેલાઈ ચૂકી છે. સંસ્થાએ તમામ દેશોને તેના ફેલાવાને રોકવા માટે પગલાં ભરવાની અપીલ કરી છે.

(12:00 am IST)