Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

શું સ્માર્ટફોનના અતિ વપરાશના કારણે બાળકો માતા પિતાથી દૂર થઇ રહયા છે ?

૬૬ ટકા લોકોએ કબૂલ્યું કે બાળકો સાથેનો સમય સ્માર્ટફોનમાં ખર્ચાય છે : વાલીઓ માને છે કે સ્માર્ટફોનના લીધે બાળકોમાં આક્રમકતા વધતી જાય છે

નવી દિલ્હી, તા.૧૫: દુનિયામાં ડિજીટલ ક્ષેત્રે ક્રાંતિ આવવાથી ઇન્ટરનેટનો વપરાશ કરતા લોકોની સંખ્યા ૪.૯૦ અબજને પાર કરી ગઇ છે. છેલ્લા કેટલાક વર્ષોંમાં ઓનલાઇનની બોલબાલા વધતા ઇન્ટરનેટ જરુરીયાત બની ગયું છે. આજે ઓનલાઇન શોપિંગ કરવાની હોય કે બાળકોનો અભ્યાસ ઇન્ટરનેટ વિના શકતો નથી પરંતુ સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગના કારણે સામાજીક અને પારીવારિક સમસ્યાઓ પણ ઉભી થઇ છે એવું એક સર્વેમાં જાણવા મળે છે. આમ તો સ્માર્ટફોન અને ઇન્ટરનેટ એક બીજાને જોડવાનું કામ કરે છે પરંતુ હકિકત એ છે કે આ જ ફોનના લીધે પરીવારના લોકો એક બીજાથી દૂર થઇ રહયા છે. સોશિયલ લાઇફ કટ થઇ રહી છે.

એક સમયે લોકો દિવાનખંડમાં બેસીને સુખ દૂખની વાતો કરીને સૂઇ જતા હતા તેના સ્થાને સ્માર્ટફોનમાં વ્યસ્ત જણાય છે. દુનિયામાં ૮૬ ટકા સ્માર્ટફોન ધારકોને  પથારીમાં ફોન સાથે રાખે છે અને સવારે ઉઠે ત્યારે પ્રથમ મોબાઇલ ફોન સ્ક્રોલ કરવાનું કરે છે. સ્માર્ટફોનના લીધે બાળકો માતા પિતાથી દૂર થઇ રહયા છે એવું સાઇબર મીડિયાના રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. સ્માર્ટફોનની વિપરીત અસર માતા પિતા કરતા પણ બાળકો પર વધારે થાય છે. સર્વેની કેટલીક બાબતો નોંધવા જેવી છે. ૬૬ ટકા લોકોનું માનવું છે કે જે સમય બાળકો સાથે ગુજારવાનો હોય તેના સ્થાને ફોન પર વ્યસ્ત રહેવાય છે. ૭૪ ટકાનું માનવું હતું કે સ્માર્ટફોનના લીધે સંબંધો ખરાબ થાય છે એટલું જ નહી બાળકો પર ધ્યાન કેન્દ્રીત થઇ શકતું નથી.

એટલું જ નહી મોટા ભાગના માતા પિતાએ કબૂલ્યું કે સ્માર્ટફોનના વપરાશ દરમિયાન બાળકો પુછે ત્યારે ચીડ થાય છે. ૯૦ ટકા માતા પિતાનું એમ માનવું હતું કે સ્માર્ટફોનના લીધે બાળકોમાં આક્રમકતા વધતી જાય છે. કોરોના મહામારીના પીક દરમિયાન રોજ ૬.૫ કલાક જેટલો સમય સરેરાશ ભારતીયોએ ફોન પર વિતાવ્યો હતો. જે સામાન્ય કરતા ૩૨ ટકા વધારે હતો.જો કે આટલી નકારાત્મક બાજુઓ છતાં સ્માર્ટફોન પ્રિયજનો સાથે કનેકટ રહેવામાં અને જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ હોવાનું પણ વધુ લોકો માનતા હતા. ૯૪ ટકા લોકોએ તો મોબાઇલને શરીરનો એક ભાગ ગણાવીને તેનાથી અલગ થઇ શકે તેમ નથી એમ કબૂલ્યું હતું. લોકો જમતી વખતે,લિવિંગ રૂમ અને પરીવાર સાથે બેઠા હોય ત્યારે પણ મોબાઇલ સ્ક્રોલ કરતા રહે છે.

(12:00 am IST)