Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

ગુજરાત ગ્રીન એનર્જી ઉત્પાદનમાં 17,658.18 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથે સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને

રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના પ્રશ્નના જવાબમાં નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રીનો જવાબ

 

નવી દિલ્હી : અશ્મિભૂત ઇંધણ સિવાયના સ્ત્રોતનો ઉપયોગ કરીને ઉત્પાદિત ગ્રીન ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને છે. ભારતની નવીન તથા પુનઃપ્રાપ્ય કુલ વીજ ઉત્પાદન ક્ષમતા અત્યારે 1,56,347.45 મેગાવોટ છે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી આર. કે. સિંહે ઉપરોક્ત માહિતી આપી હતી.

અશ્મિભૂત સ્ત્રોત સિવાયના સ્ત્રોતોનો ઉપયોગ કરીને ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતા હાલ 17,658.18 મેગાવોટ છે, જેમાં નાના કદની જળવિદ્યુત ઉત્પાદન ક્ષમતા 82.69 મેગાવોટનો, વિશાળ કદની જળવિદ્યુત ઉત્પાદન ક્ષમતા 1990 મેગાવોટનો, પવનઊર્જાની ઉત્પાદન ક્ષમતા 8952.92 મેગાવોટનો, બાયો પાવર 99.88 મેગાવોટનો, સૌરઊર્જા ઉત્પાદન ક્ષમતા 6092.60 મેગાવોટનો અને પરમાણુ ઊર્જા ઉત્પાદન ક્ષમતા 440 મેગાવોટનો સમાવેશ છે.

બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતનો ઉપયોગ કરીને થતા વિદ્યુત ઉત્પાદનની ક્ષમતાના સંદર્ભમાં ગુજરાત ત્રીજા ક્રમે છે, ત્યારબાદ તમિલનાડુ 20,366.08 મેગાવોટ અને કર્ણાટક 20,303.49 મેગાવોટ ઉત્પાદન ક્ષમતા સાથે અનુક્રમે પહેલા અને બીજા સ્થાને આવે છે.

નથવાણી 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઊર્જા ઉત્પાદન ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલો અને દેશમાં વર્તમાન સમયમાં બિન-અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ કરીને થતી ઊર્જા ઉત્પાદન ક્ષમતા અંગે જાણવા માગતા હતા.

ઊર્જા મંત્રીએ જણાવ્યું કે તાજેતરમાં સંપન્ન થયેલી CoP26માં વડાપ્રધાનની જાહેરાત અનુસાર, સરકાર વર્ષ 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી 500 GW સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે દેશમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લીધા છે જેમાં ઓટોમેટિક રૂટ હેઠળ 100 ટકા સુધી સીધું વિદેશી મૂડીરોકાણ (FDI)ને મંજૂરી આપવી, સૌર અને પવન ઊર્જાના આંતર-રાજ્ય વેચાણ માટે ઈન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) ચાર્જમાં માફીનો સમાવેશ થાય છે. 30મી જૂન 2025 સુધીમાં કાર્યરત થનારા પ્રોજેક્ટ્સ માટે, નવી ટ્રાન્સમિશન લાઈનો નાખવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાને વિતરિત કરવા માટે નવા સબ-સ્ટેશનની ક્ષમતા ઊભી કરવી તથા વર્ષ 2022 સુધી રિન્યુએબલ પરચેઝ ઓબ્લિગેશન (RPO) માટેની વ્યવસ્થાની ઘોષણાનો પણ સમાવેશ થાય છે.

 

તેમણે એમ પણ કહ્યું કે ધ્યેય હાંસલ કરવા માટેની પહેલોમાં આરઇ ડેવલપર્સને પ્લગ એન્ડ પ્લે ધોરણે જમીન અને ટ્રાન્સમિશન આપવા માટે આર.ઇ. પાર્કની સ્થાપના, પ્રધાન મંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાઅભિયાન (PMKUSUM), સોલર રૂફટોપ ફેઝ ટુ, 12000 MW CPSU યોજના ફેઝ ટુ વગેરે જેવી યોજનાઓ તથા સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ/ઉપકરણોની જમાવટ માટેના ધોરણોની સૂચના અને રોકાણને આકર્ષવા અને સુવિધા આપવા માટે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે. ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, સરકારે ગ્રીડ કનેક્ટેડ સોલાર પીવી અને વિન્ડ પ્રોજેક્ટ્સમાંથી વીજળીની પ્રાપ્તિ માટે ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ માટે સ્ટાન્ડર્ડાઇઝિંગ બિડિંગ ગાઇડલાઇન્સ જેવી પહેલ પણ કરી છે.

સરકારે આદેશો જારી કર્યા છે કે RE જનરેટર્સને વિતરણ પરવાનાધારકો દ્વારા સમયસર ચુકવણી સુનિશ્ચિત કરવા માટે લેટર ઓફ ક્રેડિટ (LC) અથવા એડવાન્સ પેમેન્ટ સામે પાવર મોકલવામાં આવશે, તેમ પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેમના નિવેદન મુજબ, દેશમાં પાવર એક્સચેન્જ દ્વારા RE પાવરની પ્રાપ્તિની સુવિધા માટે ગ્રીન ટર્મ અહેડ માર્કેટ (GTAM) શરૂ કરવામાં આવ્યું છે.

(11:59 pm IST)