Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

અયોધ્યામાં ચાર મહિનામાં ભવ્ય રામ મંદિર બની જશે

ઝારખંડમાં પ્રચાર વેળા અમિત શાહની જાહેરાત : કોંગ્રેસ પાર્ટી વિકાસ કરવામાં અને દેશને સુરક્ષિત રાખવા મામલે સક્ષમ નથી : ભાવનાઓની પણ કોંગીને પડી નથી

પાકુડ, તા. ૧૬ : ઝારખંડના પાકુડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરીને કોગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન રામના નિર્માણની અવધિ પણ નક્કી થઇ ચુકી છે. અયોધ્યામાં ચાર મહિનાના ગાળામાં જ ભવ્ય મંદિરનું નિર્માણ થઇ જશે. તેમણે કહ્યું હતું કે, ચાર મહિનાની અંદર જ ભવ્ય અને વિશાળ મંદિરનું નિર્માણ પૂર્ણ કરી દેવામાં આવશે. ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, હાલમાં જ સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદો આપ્યો છે. ૧૦૦ વર્ષોથી દુનિયાભરના ભારતીયોની માંગ હતી કે, અયોધ્યામાં ભવ્ય મંદિર બનવું જોઇએ. હવે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી આ પ્રકારના કામ કરવામાં કોઇરીતે સક્ષમ નથી. કોંગ્રેસ વિકાસ કરવામાં અથવા તો દેશને સુરક્ષિત કરવાના કામ કરી શકે છે. દેશની જનભાવનાઓને પણ કોંગ્રેસ સમજી શકે તેમ નથી. અમિત શાહે કહ્યું હતું કે, વર્ષો સુધી ઝારખંડના યુવાનો લડી રહ્યા હતા પરંતુ જ્યાં સુધી કોંગ્રેસનું શાસન હતું ત્યાં સુધી ઝારખંડની રચના થઇ ન હતી જ્યારે કેન્દ્રમાં વાજપેયીની સરકાર આવી ત્યારે ઝારખંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

          મોદી સરકાર આવ્યા બાદ ઝારખંડમાં વિકાસની કામગીરી આગળ વધી હતી. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઇ, ૪૦ દિવસ સુધી સતત ચાલેલી મેરેથોન સુનાવણી બાદ આખરે ૯મી નવેમ્બરના દિવસે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન રામલલા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો હતો. સાથે સાથે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ કોઈ અન્ય જગ્યા પર પાંચ એકડ જમીન આપવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદા પર ભારતભરમાં તમામ લોકોની બાજ નજર રહેલી હતી. રાજકીય રીતે ખુબ જ સંવદેનશીલ ગણાતા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સર્વસંમંતિથી અથવા તો ૫-૦થી આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

(8:03 pm IST)