Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

હિંસક વિરોધ પ્રદર્શન રોકવા માટે રાજ્યોને આદેશ : હજુ તંગ સ્થિતિ

કાનૂન અને વ્યવસ્થાને જાળવવા તમામ પગલા લેવા રાજ્યોને સૂચના : સોશિયલ મિડિયા પર ફેલાયેલી અફવાઓ ઉપર કાબૂ મેળવવાનો પણ આદેશ જામિયા, અલીગઢ, નદવામાં હિંસા : પૂર્વોત્તરના રાજ્યોમાં અજંપાભરી સ્થિતિ

નવીદિલ્હી, તા. ૧૬ : નાગરિક સુધારા કાનૂનની સામે દેશભરના કેટલાક રાજ્યોમાં જારી હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા આજે રાજ્યો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી હતી જેમાં હિંસક વિરોધ પ્રદર્શનને રોકવા માટે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે, હિંસક વિરોધ પ્રદર્શન પર કાબૂ મેળવવામાં આવે તે ખુબ જરૂરી છે. ગૃહમંત્રાલય દ્વારા તમામ રાજ્યોને એમ પણ કહ્યું છે કે, દેશના નાગરિકોની સુરક્ષા અને તેમના જીવનની રક્ષા ખુબ મહત્વપૂર્ણ છે.

                અમિત શાહના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યોને કાનૂન અને વ્યવસ્થાને જાળવી રાખવા માટે તથા શાંતિ માટે તમામ પગલા લેવા જોઇએ. સાથે સાથે કેન્દ્ર સરકારે રાજ્યોને આ એક્ટના સંબંધમાં ફેક ન્યુઝ અને સોશિયલ મિડિયા ઉપર ફેલાઈ રહેલી અફવાઓને હાથ ધરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ એક્ટની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન માટે સોશિયલ મિડિયા પર ચાલી રહેલી અફવાઓને પણ જવાબદાર ગણાવી છે. દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનનો દોર આજે પણ યથાવતરીતે જારી રહ્યો હતો.

                 ઉત્તરપૂર્વીય રાજ્યો, દિલ્હી, મુંબઈ અને અન્ય ભાગોમાં પણ દેખાવકારો હવે મેદાનમાં આવી ગયા છે. તીવ્ર વિરોધ પ્રદર્શનના કારણે સ્થિતિ તંગ બનેલી છે. સ્કુલ અને કોલેજોને આસામમાં બંધ રાખવાની ફરજ પડી છે. નાગરિક સુધારા કાનૂનની સામે જામિયા અને અલીગઢ યુનિવર્સિટી બાદ હવે લખનૌના નદવા કોલેજમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ ચુકી છે. દારુલ ઉલુમ નદવાતુલ ઉલામા (નદવા કોલેજ)ના ગેટ ઉપર વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઇ છે. પોલીસને કોલેજના ગેટને બંધ કરી દેવાની ફરજ પડી હતી. સામ સામે પથ્થરમારો થયો હતો. યુપીના ડીજીપી ઓપી સિંહે કહ્યું છે કે, સ્થિતિને કાબૂમાં લેવા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ દિલ્હીમાં આજે સ્થિતિ વિસ્ફોટક રહી હતી. જામિયા વિસ્તારમાં હિંસા બાદ ફેલાઈ રહેલી અફવાઓ અને લાગી રહેલા આક્ષેપો પર દિલ્હી પોલીસે આજે પત્રકાર પરિષદ યોજી હતી. દિલ્હી પોલીસ તરફથી પીઆરઓ એનએસ રંધાવાએ મિડિયા સામે આવીને સ્પષ્ટતા કરી હતી. વિરોધ પ્રદર્શનમાં જામિયાના વિદ્યાર્થીઓની સાથે સાથે આસપાસના લોકો પણ સામેલ હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. તેમણે કહ્યું હતુ ંકે, પોલીસ તરફથી કોઇ ગોળી ચલાવવામાં આવી નથી. કોઈનું મોત થયું નથી.

                  અફવાઓથી બચવા લોકોને કહેવામાં આવ્યું છે. રવિવારના દિવસે કેટલીક બસોને આગ ચાંપી દેવામાં આવી હતી. હોસ્પિટલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દેખાવકારોએ પોલીસ પર બલ્બ, ટ્યુબલાઇટ ફેંકી હતી. પોલીસના કહેવા મુજબ ચાર ડીટીસીની બસ, પોલીસ વાહન સહિત ૧૦૦ ખાનગી વાહનોને ફૂંકી મારવામાં આવ્યા હતા. જો કે, હવે સ્થિતિ કાબમાં છે. જામિયા મિલિયા ઇસ્લામિયા અને દિલ્હીના અન્ય વિસ્તારોમાં હિંસક વિરોધ પ્રદર્શન બાદ કેટલાક સ્ટેશન પર મેટ્રો ટ્રેનને નહીં રોકવાનો નિર્ણય કરાયો છે. વિદ્યાર્થીઓ ઉપર પોલીસે કાર્યવાહી પણ કરી હતી જેમાં કેટલાકને ઇજા થઇ છે. આસામમાં હજુ સુધી ચાર લોકોના મોત થઇ ચુક્યા છે. આસામ ઉપરાંત મેઘાલય, ત્રિપુરામાં દેખાવો થયા છે. બંગાળમાં પણ સ્થિતિ હિંસક બનેલી છે. સ્થિતિને કાબૂમાં લેવા તમામ જગ્યાઓએ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સંચારબંધી પણ લાગૂ કરાઈ છે. ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. કઠોર નિયંત્રણો હોવા છતાં ગેરમાર્ગે દોરાયેલા લોકો હિંસા પર ઉતરેલા છે.

(7:54 pm IST)