Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

નાગરિક કાનૂન : ઇન્ડિયા ગેટ ઉપર પ્રિયંકા ગાંધી વાઢેરાના ધરણા

કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ દેખાવમાં સામેલ : જામિયાના વિદ્યાર્થીઓને કોંગ્રેસના બધા નેતાઓનું સમર્થન લાઠીચાર્જ સામે વિરોધ : મમતા બેનર્જી દેખાવો પર ઉતર્યા

નવીદિલ્હી, તા. ૧૬ : નાગરિક સુધારા કાનૂન સામેના વિરોધમાં જામિયા મિલિયા ઇસ્લામિયા અને અન્ય કેટલીક યુનિવર્સિટીમાંથી દેખાવ પર ઉતરેલા વિદ્યાર્થીઓને પ્રિયંકા ગાંધી વાઢેરાના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ જોરદાર સમર્થન આપ્યું છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી આજે પોતે જામિયાના બનાવને લઇને ઇન્ડિયા ગેટ ઉપર દેખાવો અને ધરણા પ્રદર્શન ઉપર ઉતરી ગયા હતા. વિરોધ પક્ષો તરફથી જામિયા મિલિયા ઇસ્લામિયામાં દિલ્હી પોલીસની કાર્યવાહી સામે તપાસ કરવા અને જ્યુડિશિયલ તપાસની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરીની સાથે અહેમદ પટેલ, એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ, રણદીપસિંહ સૂરજેવાલા અને પક્ષના સેંકડો કાર્યકરો જોડાયા હતા. ઇન્ડિયા ગેટ ઉપર ધરણા પર બેસતા પહેલા પ્રિયંકા ગાંધીએ જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી સામે દિલ્હી પોલીસના પગલાને વખોડી કાઢીને મોદી સરકારની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, દેશનું વાતાવરણ ખુબ જ બગડી ગયું છે. પોલીસ યુનિવર્સિટીમાં ઘુસીને વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી રહી છે. સરકાર બંધારણ સાથે ચેડા કરી રહી છે. અમે બંધારણ માટે લડીશું.

            બીજી બાજુ સોનિયા ગાંધીએ કહ્યું છે કે, મોદી સરકાર પોતે હિંસા અને વિભાજનની રાજનીતિ કરી રહી છે. સરકારને દેશને નફરતની આંધીમાં નાંખી દીધું છે. યુવાઓના ભવિષ્યને આગની ભઠ્ઠીમાં નાંખી દીધા છે. દેશના જુદા જુદા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન જારી છે. બીજી બાજુ આજે સોમવારના દિવસે વિપક્ષી નેતાઓએ પણ પત્રકાર પરિષદ યોજીને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમની સરકારના કેટલાક મંત્રીઓ પણ નાગરિક સુધારા બિલની સામે પ્રદર્શન પર ઉતરી ગયા છે જેને લઇને રાજ્યપાલ જગદીપ ધનખર દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. મમતા બેનર્જી અને તેમના મંત્રીઓ દ્વારા નાગરિકતા કાનૂનની સામે કાઢવામાં આવેલા જુલુસને લઇને રાજ્યપાલે નારાજગી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી પોતે નાગરિક સુધારા બિલને લઇને રેલી યોજી રહ્યા છે જે બિલકુલ ગેરબંધારણીય બાબત છે. આવી સ્થિતિમાં તેઓ મુખ્યમંત્રીને ગેરબંધારણીય અને ઉશ્કેરણીજનક ગતિવિધિથી બચવા અને રાજ્યની સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે. બંગાળમાં નાગરિક સુધારા બિલને લઇને હિંસક વિરોધ પ્રદર્શન જારી છે. દેખાવકારોએ શુક્રવારના દિવસથી જ હિંસા જારી રાખી છે. ટ્રેન, રેલવે સ્ટેશન, રેલવે લાઈન, ટોલ પ્લાઝા અને બસને આગને હવાલે કરી દેવામાં આવી છે. હિંસક વિરોધ પ્રદર્શનના કારણે રાજ્યમાં સેવા ખોરવાઈ ગઈ છે.

(7:49 pm IST)