Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

નાગરિક કાનૂનથી કોઇપણ વ્યક્તિને નુકસાન થશે નહીં

અંગત સ્વાર્થી સંગઠનોને ઉપદ્રવની તક અપાશે નહીં : નવા કાનૂનથી કોઇ વ્યક્તિને ભયભીત થવાની જરૂર નથી

નવીદિલ્હી, તા. ૧૬ : નાગરિક સુધારા કાનૂન પર દેશભરમાં જારી વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શાંતિ જાળવી રાખવા લોકોને અપીલ કરી હતી. વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું છે કે, નાગરિકતા કાનૂન ઉપર હિંસક વિરોધ પ્રદર્શન ખુબ જ કમનસીબ અને દુખદ છે. વિભાજનકારી તત્વોથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી છે. સાથે સાથે એમ પણ કહ્યું છે કે, આ કાનૂન ભાઈચારાને દર્શાવનાર કાનૂન છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કાનૂનમાં કોઇપણ ધર્મના દેશના કોઇપણ નાગરિકને કોઇ અસર થનાર નથી જેથી હિંસક દેખાવો અને વિરોધ પ્રદર્શન બિલકુલ કમનસીબ છે. વડાપ્રધાને કહ્યું છે કે, નાગરિક સુધારા કાનૂનને લઇને હિંસક દેખાવો ખુબ જ આઘાતજનક છે. ચર્ચા કરવાની જરૂર છે. વિરોધ પ્રદર્શન ન કરવા માટે મોદીએ આજે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, નાગરિક સુધારા બિલને સંસદના બંને ગૃહોમાં બહુમતિ સાથે પાસ કરવામાં આવ્યા બાદ હવે તેના સમર્થનમાં રહેલા સભ્યો દ્વારા જ કેટલાક વાંધામાં ઉતરી રહ્યા છે. મોટી સંખ્યામાં રાજકીય પક્ષો અને સાંસદો આનુ સમર્થન કરી ચુક્યા છે. આ કાનૂન દશકો જુની શાંતિ, ભાઈચારા અને કરુણાને દર્શાવે છે.

                 મોદીએ કહ્યું હતું કે, અમે દેશવાસીઓને સ્પષ્ટપણે કહેવા માંગીએ છે કે, નાગરિકતા કાનૂનથી કોઇપણ ભારતીય નાગરિકને કોઇ નુકસાન થશે નહીં. કોઇપણ ભારતીયને આ એક્ટથી ભયભીત થવાની જરૂર નથી. આ એક્ટ એવા લોકો માટે છે જે બીજી જગ્યાએ આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. તેમની પાસે ભારત આવવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. વડાપ્રધાને કહ્યું હતું કે, સ્વાર્થી સંગઠનોને સમાજને વિભાજિત કરવા અને ઉપદ્રવ કરવાની મંજુરી આપી શકાય નહીં. સમયની માંગ છે કે, તમામ લોકો ભારતના વિકાસ, દરેક ભારતીયો ખાસ કરીને ગરીબો, શોષિતો અને વંચિતોના સશક્તિકરણ માટે સાથે મળીને કામ કરે. અમે અંગત સ્વાર્થવાળા સંગઠનોને વિભાજિતકરવા અને અશાંતિ ફેલાવવાની કોઇ કિંમતે મંજુરી આપીશું નહીં.

(8:02 pm IST)