Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

મમતા બેનરજી નાગરિકતા કાયદાની વિરુદ્ઘ ત્રણ રેલીઓ સંબોધિત કરશે

નવી દિલ્હી,તા.૧૬:નાગરિકતા સુધારણા કાયદા (સીએએ)ની વિરુદ્ઘ પશ્યિમ બંગાળના મુખ્યમંત્રી સોમવારે કોલકાતામાં ત્રણ રેલીઓને સંબોધિત કરી શકે છે. અગાઉ મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, અમે બંગાળમાં નાગરિકતા કાયદો લાગુ થવા દઇશું નહીં. આ વચ્ચે મમતા બેનરજીએ પ્રદેશમાં કાયદો વ્યવસ્થાને લઇને બેઠક કરી હતી.

મમતા બેનરજીની રેલી બપોરે ૧ વાગ્યાથી શરૂ થશે. આંબેડકર સ્ટેચ્યૂથી શરૂ થનારી આ રેલી જોરાસાંકો ઠાકુરબાડીમાં સમાપ્ત થશે. તે દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા ઠેર-ઠેર નાગરિકતા કાયદો અને એનઆરસીની વિરુદ્ઘ વિરોધ પ્રદર્શન કરશે.

અગાઉ શનિવારે નાગરિકતા સુધારણા કાયદાની વિરુદ્ઘ બંગાળમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા હતા. નાગરિકતા કાયદાનો વિરોધ કરી રહેલા લોકોએ મુર્શિદાબાદમાં જિલ્લાના બેલદાંગા રેલવે સ્ટેશન પર તોડફોડ કરી હતી.

વિરોધ પ્રદર્શનો દરમિયાન વ્યાપક હિંસાને જોતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ શનિવારે લોકોને લોકશાહી રીતે વિરોધ કરવાની અપીલ કરી હતી. સાથે સાથે ચેતવણી આપી હતી કે કાયદાનો ભંગ કરનારની વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવશે.

(3:51 pm IST)