Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ઝારખંડ : સઘન સુરક્ષા વચ્ચે મતદાન, મતદારોમાં ઉત્સાહ

ર૩ મહિલા સહિત રર૧ ઉમેદવારોના ભાવિ સીલ : તમામ મતદાન મથકો પર પુરતી સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત કરાયા : ઝારિયા બેઠક પર પરિવારની વચ્ચે ટક્કર

ડુમકા, તા. ૧૫: ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારે ચોથા તબક્કાનુ મતદાન શરૂ થયા બાદ સવારમાં પ્રમાણમાં ઓછુ મતદાન થયુ હતુ. જો કે અગાઉના ત્રણ તબક્કાની જેમ જ આ ચોથા તબક્કામાં પણ ભારે મતદાન થવાની શક્યતાછે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઝારખંડના મુખ્યપ્રધાન દ્વારા મોટા પાયે મતદાન કરવાની અપીલ કરવામાં આવી આવી છે. સવારમાં તીવ્ર ઠંડી વચ્ચે મતદારો પ્રમાણમાં ઓછા બહાર  નિકળ્યા હતા. જો કે સુરક્ષા વ્યવસ્થા મજબુત રાખવામાં આવી હતી.  છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૭ અને તેના સાથી પાર્ટીએ ૫ સીટો જીતી હતી.

ત્યારબાદ રઘુવરદાસના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી હતી. જેની પાંચ વર્ષની અવધી પૂર્ણ થઈ ચુકી છે. ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણીમાં કુલ ૮૧ સીટોમાંથી ભાજપે ૩૭ ઉપર જીત મેળવી હતી. એજેએસયુ દ્વારા પાંચ સીટો જીતવામાં આવી હતી. ઝારખંડ મુક્તિ મોરચાની ૧૯ સીટો હતી. બાબુલાલ મારન્ડીના ઝારખંડ વિકાસ મોરચાએ આઠ સીટો જીતી હતી. મોડેથી તેના છ સભ્યો ભાજપામાં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસે સાત સીટો જીતી હતી. જ્યારે અન્યોના ખાતામાં છ સીટો ગઈ હતી. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં ૩૦મી નવેમ્બરના દિવસે ૧૩ સીટો ઉપર સઘન સુરક્ષા વ્યવસ્તા વચ્ચે ૬૨થી ૬૪ ટકા મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં સાતમી ડિસેમ્બરના દિવસે હિંસાના છુટાછવાયા બનાવો વચ્ચે ૬૩.૩૬ ટકા સુધી ઉંચુ મતદાન થયું હતું.

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૨મી ડિસેમ્બરના દિવસે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ૬૨ ટકાની આસપાસ મતદાન થયું હતું. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આઠ જિલ્લાઓને આવરી લેતી ૧૭ સીટોમાં ૫૬૧૮૨૬૭ મતદારો પૈકી ૬૧.૧૯ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૪૦૦૦૦થી પણ વધુ સુરક્ષા જવાનો તૈનાત રાખવામાં આવ્યા હતા.

ઝારખંડમાં મતદાર યાદીમાં કુલ ૨.૨૬૫ કરોડ મતદારો છે.આજે સવારે મતદાન શરૂ થતાની સાથે જ ૨૩ મહિલા સહિત ૨૨૧ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. આશરે ૫૦ લાખ જેટલા મતદારો ૧૫ બેઠક માટે ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા  તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.  ચોથા તબક્કામાં બોકારો વિધાનસભા સીટ પર સૌથી વધુ ૨૪ ઉમેદવારો રહેલા છે જ્યારે નિરસા સીટ ઉપર આઠ ઉમેદવાર રહેલા છે.  રાજકીયરીતે આ તબક્કાની ચૂંટણી ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે આ તબક્કામાં એક પણ સીટ અનુસૂચિત જનજાતિની નથી. પાર્ટીએ અહીં ૨૦૧૪માં ૧૫ સીટ પૈકી ૧૦ જીતી લીધી હતી. જેએમએમને બે અને એજેએસયુ, જેવીએમ અને એનસીસીને એક સીટ મળી હતી. સવારે સાત વાગે મતદાનની શરૂઆત થયા બાદ  ચૂંટણી પ્રક્રિયા પાંચ બેઠકો ઉપર ત્રણ વાગે પૂર્ણ કરાશે જ્યારે બાકીની ૧૦ બેઠકો પર સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. આજે ચોથા તબક્કામાં મતદાન યયા બાદ  પાંચમા અને અંતિમ તબક્કામાં ૨૦મી ડિસેમ્બરના દિવસે ૧૬ સીટ પર મતદાન થશે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.

પ્રથમ વખત શારીરીક રીતે વિકલાંગ અને સિનિયર સિટીઝન માટે ઘરેથી બેઠા બેઠા પોસ્ટલ બેલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં  સરકાર બનાવવા માટે કોઈ પાર્ટી અથવા તો ગઠબંધનને ઓછામાં ઓછી ૪૧ સીટો જીતવાની જરૂર રહેશે. શાસક પક્ષ ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન ગઠબંધન સરકારની સામે સરકાર બચાવવાનો પડકાર છે. શાસન વિરોધી પરિબળોની સામે ભાજપની કસોટી થઇ રહી છે.

(3:34 pm IST)