Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હવામાંથી તૈયાર કરાયેલું પાણી મળશે, કિંમત ૧ લીટરના ૮ રૂપિયા

હૈદરાબાદ,તા.૧૬: તેલંગણના સિકંદરાબાદ રેલવે સ્ટેશનના એક નંબરના પ્લેટફોર્મ પર હવામાંથી તૈયાર કરવામાં આવેલું પાણી વેચવામાં આવી રહ્યું છે. જલ શકિત મંત્રાલયે આ ટેકિનકથી તૈયાર કરવામાં આવેલા પાણીને સ્વાસ્થ્ય માટે સુરક્ષિત જાહેર કરતાં સાઉથ સેન્ટ્રલ રેલવે (એસસીઆર)એ ગુરુવારે પાણીનું કિઓસ્ક ઇન્સ્ટોલ કર્યું હતું. આ કિઓસ્કનું ઓટોમેટિક વોટર જનરેટર રોજના ૧૦૦૦ લીટર પાણી બનાવે છે જે સ્ટીલની એક ટેન્કમાં જમા થાય છે.

એસસીઆરના અધિકારીઓએ જણાવ્યા મુજબ પર્યાવરણને અનુકૂળ આ મશીન પાણીના કોઈ સ્ત્રોત પર નિર્ભર નથી, વેસ્ટ ઉત્પન્ન કરતો નથી તેમ જ દરેક ઋતુમાં કામ કરે છે. હવામાંથી પાણી શોષીને અનેક તબક્કામાંથી પસાર થયા બાદ પાણી ટેન્કમાં જમા થાય છે. મેદ્યદૂત ટેકિનકથી તૈયાર કરવામાં આવેલા આ પાણીની બોટલ સાથેની કિંમત આઠ રૂપિયા ઠરાવાઈ છે, જયારે ગ્રાહક પોતાની બોટલમાં પાંચ રૂપિયામાં પાણી ભરાવી શકે છે.

(3:32 pm IST)