Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

નેપાળમાં મુસાફરો ભરેલી બસ ખીણમાં પડી જતા 14 લોકોના કરૂણમોત : 19 લોકોને ઇજા

નેપાળના સિંધુપાલચોક વિસ્તારમાં વહેલી સવારે દુર્ઘટના : પોલીસ-તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું

કાઠમંડુ : નેપાળના સિંધુપાલચોક વિસ્તારમાં રોડ મુસાફરો ભરેલી બસ અકસ્માતે ખીણમાં પડી જતા 14 લોકોના કરૂણમોત નિપજ્યા છે અને 19 લોકો ઘાયલ થયા છે 

મળતી વિગતો પ્રમાણે આશરે 40 જેટલા મુસાફરોને લઈને જઈ રહેલી બસ વહેલી સવારે 8:30 કલાકે 500 મીટર ઉંડી ખીણમાં ધસી પડતા 14 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

  અકસ્માતની જાણ થતા જ પોલીસ અને સ્થાનિક સત્તાધીશો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બચાવ કામગીરી દરમિયાન 19 જેટલા ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા લોકોને યોગ્ય સારવાર માટે મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બસ ખીણમાં ધસી પડતાં તેનો કચ્ચરઘાણ વળી ગયો હતો આગલા દિવસે શનિવારે સુર્ખેતથી કાઠમંડુ જઈ રહેલી સેનાની બસને પણ અકસ્માત નડ્યો હતો. સેનાના જવાનોને લઈને જઈ રહેલી બસને અકસ્માત નડતાં 30 જેટલા જવાનોને ઈજાઓ પહોંચી હતી.

(12:00 am IST)