Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

નાગરિકતા એ કેન્દ્રનો વિષય: રાજ્ય સરકાર કાયદો લાગુ કરવાની ના પાડી શકે નહીં: જિતેન્દ્ર સિંહની સ્પષ્ટ વાત

નવી  દિલ્હી: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદા ને લાગુ કરવાની ના પાડી શકે નહીં. સિંહનું નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે કેરળ , પશ્ચિમ બંગાળ, અને પંજાબના મુખ્યમંત્રી નાગરિકતા કાયદાને પોત પોતાના રાજ્યમાં લાગુ કરવાની ના પાડી રહ્યાં છે.

  સિંહે કહ્યું કે, "કેટલાક રાજ્યો કહે છે કે તેઓ પોતાના ત્યાં નાગરિકતા કાયદો લાગુ નહીં થવા દે, પરંતુ તેમનું આ નિવેદન મારી સમજ બહાર છે કારણ કે તે કેન્દ્રનો વિષય છે. મને નથી લાગતું કે રાજ્યો પાસે આ કાયદાને લાગુ કરતા રોકવા માટે કોઈ વિશેષાધિકાર છે."

સિંહે નાગરિકતા કાયદા પર થઈ રહેલી હિંસાને લઈને કહ્યું કે, "સ્થિતિ પહેલા કરતા સારી થઈ છે. કેટલાક અસામાજિક તત્વો છે જે પોતાના રાજકારણ માટે આ સ્થિતિનો લાભ ઉઠાવવા માંગે છે. કોંગ્રેસનો તેમાં મોટો હાથ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્યમંત્રીએ સૌથી પહેલા 12 ડિસેમ્બરના રોજ નાગરિકતા બિલને ગેરબંધારણીય ગણાવતા કહ્યું હતું કે તેઓ પોતાના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી એનઆરસી અને નાગરિકતા બિલનો શરૂઆતથી વિરોધ કરી રહ્યાં છે. તેમણે નાગરિકતા કાયદા વિરુદ્ધ માર્ચમાં સામેલ થવાની વાત કરી છે. કેરળના મુખ્યમંત્રી પણ આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) ના કોંગ્રેસ નેતા પણ નાગરિકતા કાયદાને રાજ્યમાં લાગુ ન કરવા માટે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) પર દબાણ કરી રહ્યાં છે.

(12:00 am IST)