Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

કુંભમેળાના શ્રદ્ધાળુઓ માટે ૮૦૦ ખાસ ટ્રેનો દોડાવાશે

કુંભ મેળાની લોકપ્રિયતાને ધ્યાનમાં લઇ નિર્ણય : હવે પ્રયાગરાજથી નવી દિલ્હી માટે વિશેષ ટ્રેનો દોડાવાશે

લખનૌ, તા. ૧૬ : કુંભ મેળા ૨૦૧૯માં આવનાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા ૮૦૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આ તમામ ટ્રેનો જુદા જુદા સ્ટેશનોથી પ્રયાગરાજની વચ્ચે દોડાવવામાં આવશે. રેલવેના એક અધિકારીએ માહિતી આપતા કહ્યં છે કે, આ ટ્રેનો સામાન્ય ટ્રેનો ઉપરાંતની રહેશે. નોર્થ સેન્ટ્રલ રેલવેના પીઆરઓ અમિત માલવીયાએ કહ્યું છે કે, કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ અને ટ્યુરિસ્ટો માટે દેશના દરેક રેલવે ઝોનથી છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવે પાંચ હજાર પ્રવાસી ભારતીયોને પ્રયાગરાજથી નવી દિલ્હી લઇ જવા માટે પાંચ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. આ લોકો વારાણસીમાં પ્રવાસી ભારતીય દિવસમાં ભાગ લીધા બાદ કુંભ મેળામાં જશે. ત્યારબાદ આ લોકો નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેશે. માલવીયાએ એમ પણ કહ્યું તું કે, સ્પેશિયલ ટ્રેનોના ૧૪૦૦ કોચ અને એનસીઆર ઝોનથી ચાલનાર ટ્રેનો ુપર વિનાઇલના પોસ્ટર મુકીને કુંભ મેળાની બ્રાન્ડિંગ કરવામાં આવશે જેથી દેશભરમાં ધાર્મિક મેળાના સંદેશને પહોંચાડી શકાશે. આ કોચમાં કુંભ મેળાના રંગીન અને આકર્ષક ફોટા અને પ્રયાગરાજની લોકપ્રિય ઇમારતોના ફોટા મુકવામાં આવશે. પેન્ટ માઇ સિટી પહેલ ઉપર પોતાના સ્ટેશનો અને રેલવે કોલોનીમાં જગ્યા આપીને કુંભ મેળાની મોટાપાયે જાહેરાત કરવામાં આવનાર છે. અલ્હાબાદ જંક્શન પર ૧૦૦૦૦ યાત્રીઓને ગોઠવી શકાય તે માટે ચાર મોટા ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યા છે. અહીં વેન્ડિંગ સ્ટોલ, વોટર બૂથ, ટિકિટ કાઉન્ટર, એલસીડી ટીવી, સીસીટીવી કેમેરા, મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયોનો સમાવેશ થાય છે.

(8:16 pm IST)