Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

આજે નરેન્‍દ્રભાઇ મોદી કોંગ્રેસના ગઢમાં જશે : રાષ્ટ્રીય રાજમાર્ગ 232ના પુર્નનિર્મિત 133 કિલોમીટરના રાયબરેલી માર્ગનું લોકાર્પણ કરશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય રાજમાર્ગ 232ના પુર્નનિર્મિત 133 કિલોમીટરના રાયબરેલી માર્ગનું લોકાર્પણ કરશે. આ માર્ગ બુંદેલમાર્ગ, ચિત્રકૂટ, લખનઉ, અને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ વચ્ચે એક મહત્વપૂર્ણ સંપર્ક માર્ગ છે.  સરકારે શુક્રવારે આ જાણકારી આપી. નવનિર્મિત રાજમાર્ગના કારણે બાંદાથી રાયબરેલી વચ્ચેની મુસાફરીનો સમય 7-8 કલાકથી ઘટીને હવે 2.5 કલાક થઈ જશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી. વિશેષજ્ઞોના કહેવા મુજબ વડાપ્રધાન રાયબરેલીમાં વિકાસ યોજનાઓની શરૂઆત કરીને લોકસભા ચૂંટણી અગાઉ વિકાસના મંત્રનો સંદેશ આપવાની કોશિશ કરશે. આ સાથે જ આ મુલાકાત દરમિયાન પીએમ મોદી મેક ઈન ઈન્ડીયા હેઠળ તૈયાર કરાયેલ રેલ કોચ ફેક્ટરી અંગે લોકોને જણાવશે. રાયબરેલી યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 133 કિલોમીટરના આ પ્રોજેક્ટને લગભગ 558 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આ માર્ગ બુંદેલખંડના ખનન ક્ષેત્ર, તીર્થધામ ચિત્રકૂટ, રાજ્યની રાજધાની લખનઉ અને પૂર્વાંચલ વચ્ચે એક મહત્વપૂર્ણ સંપર્ક માર્ગ છે. આ રાજમાર્ગ પર રાજમાર્ગ નિર્માણ સામગ્રી લઈ જનારા ભારે વાહનની ચહેલપહેલ જોવા મળી રહી છે.

એમ પણ કહેવાયું છે કે આ  રાજમાર્ગના કારણે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે, પ્રદૂષણ ઓછું થશે, અને ઈંધણ ઓછું વપરાશે. તેનાથી આ વિસ્તારમાં રોજગારીની તકો પણ ઊભી થશે અને સામાજિક આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.

વડાપ્રધાનનો આજનો કાર્યક્રમ, એક નજરે...

- સવારે 9.50 વાગે રેલકોચ હેલિપેડ પહોંચશે

- સવારે 10.00 વાગે મોર્ડન રેલ કોચ ફેક્ટરી પહોંચશે.

- સવારે 10.25 વાગ્યા સુધી મોર્ડન રેલકોચ ફેક્ટરીનું નીરિક્ષણ.

- અહીં રેલકોચમાં બનેલા કોચને લીલી ઝંડી બતાવીને રવાના કરાશે.

- સવારે 10.30 વાગે રેલકોચના આવાસીય પરિસર સ્થિત રેલી સ્થળ માટે રવાના થશે.

- સવારે 10.35 વાગે રેલી સ્થળ પર લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ.

- સવારે 11.25 વાગે રેલી સ્થળથી રવાના.

- સવારે 11.35 વાગે પ્રયાગરાજ માટે પ્રસ્થાન કરશે.

પીએમ મોદીનો પ્રયાગરાજ પ્રવાસ

- બપોરે 12.45 વાગે વડાપ્રધાન સંગમ પહોંચશે.

- સંગમ પર વડાપ્રધાન ગંગા પૂજન, સંતો સાથે મુલાકાત કરશે.

- સ્વચ્છ કુંભના મોડલને જોશે.

- સ્થાયી મેળા કાર્યાલય સ્થિત એકીકૃત કંટ્રોલ અને કમાન્ડર સેન્ટરનું ઉદ્ધાટન કરશે.

- વડાપ્રધાન અક્ષયવટને જોવા જશે.

- બપોરે 2.45 વાગે ડીપીએસ સ્થિત હેલીપેડથી અંદાવા માટે રવાના થશે.

- અંદાવાના સંત નિરંકારી આશ્રમ મેદાનમાં વડાપ્રધાન જનસભાને સંબોધિત કરશે.

- જનસભા પહેલા પીએમ કુંભકાર્યો પર આધારિત અને પેન્ટ માઈ સિટી પર પ્રદર્શનને જોશે.

- મેકિંગ ઓફ કુંભ વિષય પર એક ડોક્યુમેન્ટરી પણ જોશે.

- અહીં તેઓ અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

- વડાપ્રધાન જનસભાને સંબોધિત કરશે.

- સાંજે 4.30 વાગે જનસભા બાદ બમરૌલી એરપોર્ટ પર નવનિર્મિત સિવિલ એન્કલેવનું લોકાર્પણ કરશે.

- સાંજે 5.00 વાગે વડાપ્રધાન પાછા દિલ્હી માટે રવાના થશે.

વડાપ્રધાન રાયબરેલી રેલ કારખાનાની મુલાકાત લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના રાયબરેલી સ્થિત આધુનિક રેલ કોચ ફેક્ટરીની મુલાકાત લેશે. તેમનો આ પ્રવાસ ખુબ મહત્વનો છે કારણ કે ભારતની ઉચ્ચ ગુણવત્તાના રેલ ડબ્બાના વિનિર્માણ અને નિકાસ બજાર પર નજર છે. ઉલ્લેખનીય છે કે રેલવેએ થોડા મહિના પહેલા જ પ્રસ્તાવ મૂક્યો હતો કે જે દેશો ઝડપી ટ્રેનો માટેના કોરિડોરનું નિર્માણ કરી રહી છે તેમની બુલેટ ટ્રેનો માટે ડબ્બા બનાવવા અને નિકાસ કરવા ઈચ્છુક છે.

આ કારખાનાને લઈને અનેક દેશો પોતાનો રસ દાખવી ચૂક્યા છે. કોરિયા, જાપાન, જર્મની, ચીન અને તાઈવાનના અધિકારીઓ કારખાનાની મુલાકાત લઈ ચૂક્યા છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે અનેક દેશો ઓછા ઉત્પાદન ખર્ચના કારણે ભારતનો ઉપયોગ વિનિર્માણના પ્રમુખ કેન્દ્ર તરીકે કરી શકે છે.

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મોર્ડન કોચ ફેક્ટરી (એમસીએફ)માં પહેલીવાર ડબ્બાનું વિનિર્માણ રોબોટ દ્વારા કરવામાં આવ્યું છે. એક કિલોમીટર લાંબી ઉત્પાદન લાઈનમાં રોબોટને સમાન્તર રીતે કામ પર લગાવવામાં આવ્યો છે. જ્યાં તે ડબ્બા પર થોડુંક થોડુંક કામ કરે છે. હાલમાં 70 રોબોટ કામ પર લાગેલા છે. આ એક સંપૂર્ણ 'મેક ઈન ઈન્ડિયા' છે.

વડાપ્રધાનના પ્રવાસ અંગે અધિકારીએ જણાવ્યું કે અમારા માટે તે ખુબ ગર્વની વાત છે. વડાપ્રધાનનું અહીં આવવું ખુબ મહત્વપૂર્ણ છે  કારણ કે તેનાથી એવો સંદેશ જશે કે ભારત તેના કારખાનામાં તૈયાર થયેલા ડબ્બાની નિકાસ માટે હરિફાઈના બજારમાં ઉતરી રહ્યું છે.

(9:31 pm IST)