Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

શ્રીનગરમાં સેના સાથેની અથડામણમાં બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વરોધી અભિયાન તેજ : આતંકીઓને મદદ કરનારા ડોકટર મુદાસિર અને આતંકીઓ જે ઘરમાં રહેતા હતા તે ઘરના માલિકનું પણ મોત થયું

શ્રીનગર, તા.૧૬ : સુરક્ષાદળોએ શ્રીનગરમાં થયેલી અથડામણમાં બે આતંકીઓને ઢાળી દીધા છે.જેમાં હૈદર નામના વિદેશી આતંકીનો પણ સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર પોલીસના આઈજીપી વિજય કુમારના કહેવા પ્રમાણે સોમવારે સાંજે શ્રીનગરમાં થયેલા એ્કાઉન્ટરમાં હૈદર નામના વિદેશી આતંકવાદી તથા તેના એક સહયોગીને ઢાળી દેવાયા છે.

જ્યારે તેને મદદ કરનાર એક ડોકટર મુદાસિર અને આતંકીઓ જે ઘરમાં રહેતા હતા તે ઘરના માલિક અલ્તાફ અહેમદનુ પણ મોત થયુ છે. તેમના કહેવા પ્રમાણે શ્રીનગરના હૈદરપુરા વિસ્તારમાં આતંકીઓ હાજર હોવાની બાતમી મળ્યા બાદ આ વિસ્તારની ઘેરબંધી કરી ત્યારે આતંકીઓએ ફાયરિંગ કર્યુ  હતુ અને સુરક્ષાદળોએ વળતો જવાબ  આપ્યો હતો.

ઘર માલિક અલતાફનુ મોત ક્રોસ ફાયરિંગમાં થયુ છે.જ્યારે આતંકીઓને મદદ કરનાર ડો.મુદાસિર પણ માર્યો ગયો છે.તેણે જ આતંકીઓને રહેવા માટે ઘર અપાવ્યુ હતુ.મુદાસિર ઉત્તર અને દક્ષિણ કાસ્મીરથી આતંકીઓને લાવતો હતો.તે એક કોલ સેન્ટર પણ ચલાવતો હતો.

દરમિયાન કાયદો અને વ્યવસ્થા ના બગડે તે માટે ઘરના માલિક અલ્તાફ અહેમદના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં નહીં આવે.દરમિયાન પોલીસે એક્નાઉન્ટરના સ્થળેથી ૬ મોબાઈલ, બે પિસ્ટલ અને એક કોમ્પ્યુટર કબ્જે કર્યુ છે.

(7:36 pm IST)