Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

લોકો જેને હિન્‍દુત્‍વ કહે છે તે હિન્‍દુ ધર્મનું ખંડન કરનાર છેઃ ઘર સળગ્‍યા પછી સલમાન ખુરશીદે આપ્‍યુ નિવેદન

હિન્‍દુત્‍વને આતંકી સંગઠન સાથે સરખામણી કરનાર કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદના નૈનીતાલમાં આવેલ ઘરને આગ ચાંપી તેના પર પથ્‍થરમારો પણ કરાયો હતો

નવી દિલ્હી: હિન્દુત્વની આતંકી સંગઠન ISIS સાથે સરખાણી કરીને વિવાદમાં આવેલા કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદના નૈનિતાલમાં આવેલા ઘરને આગ ચાંપી દેવામાં આવી છે. તેમના પર ગઈકાલે પથ્થરમારો પણ કરાયો હતો.

હવે ખુરશીદે આ અંગે એક ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે, મારા વિચારો સાથે અસંમત થનારા લોકો એ હદે ગયા છે કે હવે મારુ ઘર સળગાવી દેવાયુ છે.શું તેનાથી એ સાબિત નથી થઈ રહ્યુ કે હું જે કહેતો હતો તે સાચુ હતુ. એ લોકો જેને હિન્દુત્વ કહે છે તે હિન્દુ ધર્મનુ ખંડન કરનાર છે અને જે પણ થયુ છે તેનાથી મારુ નિવેદન સાચુ પૂરવાર થયુ છે.

તેમણે આગળ કહ્યુ હતુ કે, કોઈ ધર્મનો દુરપયોગ કરી રહ્યુ હોય ત્યારે હું કેમ મારી જાતને આવુ કહેતા રોકુ? મારુ માનવુ છે કે, તમામ ધર્મોએ સંગઠિત રહેવાની જરુર છે.આ જ કારણ છે કે, અયોધ્યા પર કોર્ટના ચુકાદાનુ મેં સ્વાગત કર્યુ હતુ.

એક સવાલના જવાબમાં ખુરશીદે કહ્યુ હતુ કે, અમારી પાર્ટીની નેતાગીરીમાં આ બાબતને લઈને બહુ સ્પષ્ટ સ્થિતિ છે.પાર્ટીનુ માનવુ છે કે, હિન્દુત્વ અને હિન્દુ ધર્મ બંને અલગ ચીજ છે અને તેના કારણે જ તેના અલગ અલગ નામ છે.એક નિર્દોશોને મારવામાં વિશ્વાસ રાખે છે અને બીજુ સાંસ્કૃતિ સમભાવમાં વિશ્વાસ કરે છે.

તેમણે કહ્યુ હતુ કે, ગુલામ નબી આઝાદ બહુ સન્માનીય વ્યક્તિ છે પણ તે જો એવુ કહેતા હોય કે મારુ નિવેદન વધારે પડતુ છે ત્યારે હું વિચારુ છું કે મેં એવુ તો શું વધારે પડતુ કહ્યુ છે તમે એવુ જોવા માંગતા હોય કે હિન્દુત્વ શું કરી શકે છે તો નૈનિતાલમાં મારુ સળગેલુ ઘર જોઈ લો

(7:03 pm IST)