Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

બંગાળમાં BSFનો દાયરો વધારવા સામે વિરોધ

ટીએમસી નેતા અને મમતા સરકારના મંત્રી પાર્થ ચેટરજીએ આ મુદ્દા વિરૂદ્ધ વિધાનસભામાં પ્રસ્‍તાવ રજૂ કર્યો હતો

કોલકાતા: કેન્દ્રની મોદી સરકાર દ્વારા BSFનો દાયરો વધારવા પર પંજાબ પછી હવે પશ્ચિમ બંગાળમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં બીએસએફના અધિકાર ક્ષેત્રને 15 કિમીથી વધારીને 50 કિમી કરવાના કેન્દ્રના નિર્ણય વિરૂદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ થયો છે.

ટીએમસી નેતા અને મમતા સરકારમાં મંત્રી પાર્થ ચેટરજીએ આ મુદ્દા વિરૂદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આટલુ જ નહી, પશ્ચિમ બંગાળ વિધાનસભા અધ્યક્ષ બિમાન બેનરજીએ રાજ્યમાં બીએસએફના અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિના મુદ્દા પર 1.5 કલાક લાંબી ચર્ચાની પરવાનગી આપી છે.

આ પહેલા પશ્ચિમ બંગાળમાં બીએસએફના અધિકાર ક્ષેત્રને 15 કિમીથી વધારીને 50 કિમી કરવાના કેન્દ્રના નિર્ણય વિરૂદ્ધ સીએમ મમતા બેનરજીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ટીએમસીના સાંસદ સૌગત રૉયે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારના આ નિર્ણય વિરૂદ્ધ સીએમ મમતા બેનરજીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને સરકાર વિધાનસભામાં આ નિર્ણય વિરૂદ્ધ પ્રસ્તાવ લાવશે.

કેન્દ્ર સરકારે પંજાબ અને પશ્ચિમ બંગાળ સહિત કેટલાક સરહદી રાજ્યમાં બીએસએફનો અધિકાર ક્ષેત્ર 15 કિલોમીટરથી વધારીને 50 કિલોમીટર કરી દીધો છે. જોકે, ટીએમસીનું કહેવુ છે કે કેન્દ્ર સરકારનું આ પગલુ રાજ્યના અધિકાર ક્ષેત્રમાં હસ્તક્ષેપ છે. મહત્વપૂર્ણ છે કે પંજાબમાં પણ ચરણજીત સિંહ ચન્ની સરકાર બીએસએફ અધિકાર ક્ષેત્રને લઇને કેટલીક વખત કેન્દ્ર સામે આપત્તિ વ્યક્ત કરી ચુકી છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની પણ કેટલાક પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહને પોતાના આદેશ પરત લેવાની દરખાસ્ત કરી ચુક્યા છે.

(5:41 pm IST)