Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ડ્રગ કેસમાં મહારાષ્‍ટ્રના મંત્રી નવાબ મલીકે ફરી વખત એનસીબી અધિકારી સામે સવાલ ઉઠાવ્‍યો

સમીર વાનખેડેને પૂછ્‍યુઃ કાશીફ સાથે તેનો શું સંબંધ ?

મુંબઇ: આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ફરી એક વખત એનસીબીના અધિકારી સમીર વાનખેડેની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. મલિકનું કહેવુ છે કે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કેપી ગોસાવી અને કાશિફ ખાન મુખ્ય ભૂમિકામાં હતા. કાશિફ પોર્ટ દ્વારા ક્રૂઝ પર ગયો હતો. કાશિફ સાથે દુબઇનો એક માણસ હતો જેનો ખુલાસો અમે અત્યારે નહી કરીએ. મે ટ્વિટર પર વોટ્સએપ ચેટ નાખી છે. વાનખેડે જવાબ આપે કે કાશિફ સાથે તેમનો શું સબંધ છે?

નવાબ મલિકે કહ્યુ, ‘મારા ટ્વીટ દ્વારા હું કેપી ગોસાવી અને દિલ્હીના એક ઇનફૉર્મર વચ્ચેની ચેટ સામે લાવ્યો છું. આ ચેટ દ્વારા આ વાત સ્પષ્ટ થાય છે કે કેટલીક ખાસ વ્યક્તિને રેડ દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને કેટલાક ખાસ લોકોને છોડી દેવામાં આવ્યા છે. ક્રૂઝ પાર્ટી કેસમાં કેપી ગોસાવી અને મનીષ ભાનુશાળી મુખ્ય છે. કાશિફ ખાન પણ આ કેસમાં મહત્વપૂર્ણ નામ છે.

કાશિફ ખાન અને વાઇટ દુબઇને વાનખેડેએ કસ્ટડીમાં નથી લીધા- મલિક

નવાબ મલિકે કહ્યુ, ક્રૂઝ પાર્ટીમાં કાશિફ ખાન પણ હતો અને તેની સાથે દુબઇનો એક વ્યક્તિ પણ હતો, તે વ્યક્તિને વાઇટ દુબઇના નામથી ઓળખવામાં આવે છે. વાઇટ દુબઇનો ખુલાસો આવનારા સમયમાં હું કરીશ. કાશિફ ખાન અને વાઇટ દુબઇ નામના વ્યક્તિને સમીર વાનખેડેએ કસ્ટડીમાં નથી લીધા. સમીર વાનખેડેએ સ્પષ્ટ કરવુ જોઇએ કે કાશિફ ખાન અને તેમના વચ્ચે શું સબંધ છે.

નવાબ મલિકે કહ્યુ, ‘મારો આરોપ છે કે કાશિફ ખાન સમીર વાનખેડે માટે વસૂલી કરવાનું કામ કરે છે. ગોવામાં કશિશ દ્વારા ડ્રગ્સનો મોટો રેકેટ ચલાવવામાં આવે છે. કેટલાક દિવસ પહેલા કાશિફ ખાન પર મુંબઇના બાંદ્રામાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં તે ફરાર છે અને પોલીસ તપાસ કરી રહી છે. જાણકારી અનુસાર તે ગોવામાં છે.

(5:40 pm IST)