Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

હાઇવે બન્યો રન વે : નરેન્દ્રભાઇનું વિમાન હાઇવે ઉપર લેન્ડ થયુ

વડાપ્રધાન મોદીએ ૩૪૧ કિલોમીટરના સૌથી લાંબા પૂર્વાચલ એકસપ્રેસનું ઉદ્ઘાટન કર્યુ : અડધા કલાકનો એર શો યોજાયો : એરફોર્સના ફાયટર વિમાનોએ શકિત અને શૌર્યનું પ્રદર્શન કર્યુ : સુખોઇ અને મિરાજનું ફલાઇપાસ્ટ

લખનૌ, તા.૧૬: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એકસપ્રેસ-વેનું લોકર્પણ કર્યું હતું. જેમા તેઓ હરક્યુલીસ વિમાન દ્વારા પૂર્વાંચલ એકસપ્રેસ-વે ઉપર લેન્ડ થયા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ તેમની સાથેજ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે યુપીના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહેલ. અગાઉ સીએમ યોગીએ આ ઉદ્ઘાટન અંગે ૧૨ નવેમ્બરે તૈયારીઓની સમિક્ષા કરી હતી.

ખાસ વાત એ છે કે કાર્યક્રમમાં પીએમ મોદીની એન્ટ્રી C-130 સુપર હરક્યુલિસથી બપોરે દોઢ વાગે પૂર્વાંચલ એકસપ્રેસ વે પર લેન્ડ કરશે.  પીએમના સ્વાગત માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ હાજર રહેશે. ત્યારે પીએમ મોદી ૩૪૧ કિમી લાંબા પૂર્વાચલ એકસપ્રેસ-વેના ઉદ્ધાટન બાદ સંબોધન કરેલ.

પૂર્વાચલ એકસપ્રેસ-વેના ઉદ્ઘાટન બાદ પોતાના સંબોધનમાં નરેન્દ્રભાઇએ જણાવેલ કે હું મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ અને આખી ટીમ તથા યુપીના લોકોને અભિનંદન આપુ છું. જયાં ૪ વર્ષ પહેલા  જમીન હતી ત્યાં હાલ એકસપ્રેસ-વે બન્યો છે. આજે વિકાસનો નવો અધ્યાય લખાયો છે.

ઉલ્લેખનીય છે કે પૂર્વાંચલ એકસપ્રેસ યોગીનો મેગા પ્રોજેકટ છે. ત્યારે જાણકારી મુજબ પીએમ મોદીના ભાષણ બાદ લગભગ અડધો કલાકનો એર શો પણ યોજાયેલ. જેમાં દેશમાં ફાઈટર જેટ પોતાનું શકિત પ્રદર્શન કરશે.

પૂર્વાંચલ એકસપ્રેસ વે ઉદ્ધાટન થવાની સાથે એકસપ્રેસ - વે પર રન વે પર ઈન્ડિયન એરફોર્સના ફાઈટર વિમાન એર શોના માધ્યમથી પોતાનું શકિત અને શૌર્ય પ્રદર્શન કરેલ.  જે માટે એકસપ્રેસ વે પર સુલ્તાનપુરમાં કુરેભાર ગામની પાસે ૩.૨ કિમી લાંબો રન વે બનાવ્યો છે. ફાયટર એરક્રાફ્ટ સુખોઈ જગુઆર અને મિરાજ ફ્લાઈપાસ્ટ કરશે.

આ પ્રોજેકટમાં લગભગ ૨૨ હજાર ૪૯૫ કરોડ રુપિયાનો ખર્ચ થયો. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ૩૪૧ કિમી પૂર્વાંચલ એકસપ્રેસ વે બનાવવા માટે લગભગ ૨૨ હજાર ૪૯૫ કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. આ હાઈવેથી રાજ્યના ૯ જિલ્લા બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, અયોધ્યા, આંબેડકર નગર, આઝમગઢ, મઉ અને ગાજીપુરને જોડે છે.

પીએમ મોદી દ્વારા ૨૩ હજાર કરોડના ખર્ચથી બનેલા એકસપ્રેસ વે સુલ્તાનપુર જિલ્લામાં ઉદ્ધાટનની પહેલા રાજનીતિ શરુ થઈ છે.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવે આજે પ્રેસ કોન્ફ્રન્સમાં ભાજપ પર નિશાનો સાધ્યો. પૂર્વ સીએમે ભાજપ પર તેમની સરકારની યોજનોઓની ચોરીનો આરોપ લગાવ્યો છે.

તેમણે ટ્વીટરના માધ્યમથી ભાજપ પર સપાના કાર્યકાળની યોજનાઓને નવું નામ આપીને ક્રેડિટ ચોરવાનો આરોપ લગાવ્યો છે. તેણે ટ્વીટર પર એક તસવીર ટ્વીટ કરતા કહ્યું કે આ એકસપ્રેસ વેનું ઉદ્ધાટન ડિસેમ્બર ૨૦૧૬માં તેમની સરકારના કાર્યકાળમાં થયું હતુ. તેમણે લખ્યું કે કેટલાક લોકો પોતાનું શાસન આમ જ ચલાવે છે. બીજાની પટ્ટી પર પોતાનું જહાજ ઉતારીને .

સીએમ આદિત્યનાથે કહ્યું કે કોવિડ મહામારી છતાં આ રસ્તો ૧૯ મહિનામાં બનીને તૈયાર થયો છે.

સુલ્તાનપુર જિલ્લામાં ફાઈટર વિમાનની ઈમરજન્સી લેન્ડિંગના સમયે ૩.૩ કિમી લાંબો રસ્તો તૈયાર કર્યો છે. એક શો દરમિયાન મિરાજ ૨૦૦૦ અને Su-30MKI વિમાન ઈમરજન્સી એરસ્ટ્રીપથી અનેક વાર ઉડાન ભરશે. આ ઉપરાંત કેટલાક વિમાન કુરેભાર ગામમાં તૈયાર રનવે પર લેન્ડ કરશે. શુક્રવારે ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.

એકસપ્રેસ વે પર ૭ મોટા અને ૧૧૪ નાના પુલ હશે. ૭ રેલવે પુલ રહેશે. સાથે આમાં ૨૭૧ અંડરપાસ પણ બનાવશે. પ્રવાસીઓની સુરક્ષા માટે પોલીસ એમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.

(3:35 pm IST)