Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

મનપાની સંકલન બેઠકમાં સટાસટી : કોર્પોરેટરોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો

સ્ટેન્ડીંગ કમિટિની શાસક પક્ષ ભાજપની સંકલન બેઠકમાં વોર્ડ નં. ૭ના કોર્પોરેટરે ત્રણ વર્ષ જુના બિલને છેક આજે મંજુર કરવા બાબતે ધોકો પછાડયો : વોર્ડમાં ઝુંબેશાત્મક કામગીરી વખતે વિશ્વાસમાં નહી લેવાતા હોવાના આક્ષેપોથી ખળભળાટ

રાજકોટ તા. ૧૬ : શહેર ભાજપમાં 'જુથવાદ'ના ભણકારા શહેર ભાજપના સ્નેહમિલનમાં દેખાયા બાદ આજે મ.ન.પા.ની સ્ટેન્ડીંગ કમિટિની શાસક પક્ષની સંકલન બેઠકમાં પણ કોર્પોરેટરોને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો થતા હોવાના આક્ષેપ સાથે ખર્ચની દરખાસ્તો સામે શંકાની સોય તાકતા ખળભળાટ મચી ગયો હતો.

આ અંગે મ.ન.પા.ની લોબીમાં ચર્ચાતી વિગતો મુજબ આજે સવારે ૧૧ વાગ્યે મ.ન.પા.ની શાસક પક્ષ ભાજપની સંકલન બેઠક સ્ટેન્ડીંગ કમિટિની દરખાસ્તોના નિર્ણયોની ચર્ચા નિકળી ત્યારે વોર્ડ નં. ૭ના કોર્પોરેટર નેહલ શુકલે ઉભા થઇ અને એજન્ડામાં રહેલી ૨૦૧૮ના એકતા રથ યાત્રા તથા રન ફોર યુનિટી'નો ૧૨ લાખનો ખર્ચ મંજુર કરવા તેમજ ૨૦૨૧ના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમનો ૧૮ લાખનો ખર્ચ મંજુર કરવા ૨૦૨૦માં પતંગ મહોત્સવનો ૨ લાખનો ખર્ચ અને ૨૦૧૮માં સુજલામ - સુફલામ જળયાત્રાનો ૩૬.૪૮ લાખનો ખર્ચ વગેરે મંજુર કરવા છેક આટલા વર્ષે કેમ મંજુરીમાં આવ્યો ? તેવા સવાલો ઉઠાવી અને આ દરખાસ્તો સામે શંકાની સોય તાકતા સંકલન બેઠકમાં સોંપો પડી ગયો હતો.

  • આટલું જ નહી કોર્પોરેટરે એવો પણ સણસણતો આક્ષેપ કર્યા હતો કે, તાજેતરમાં વોર્ડ નં. ૭નાં વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી પણ કોર્પોરેટરને વિશ્વાસમાં લીધા વગર હાથ ધરાતા તંત્રને મુશ્કેલી થઇ હતી. જો કોર્પોરેટરોને જાણ કરી હોત તો તંત્રને સહયોગી થઇ શકયા હોત અને કામગીરીમાં સરળતા રહી હોત પરંતુ આવી બાબતોથી કોર્પોરેટરોને અજાણ રખાય તે વ્યાજબી ન કહી શકાય.  આમ, હવે મ.ન.પા.માં પણ શાસક પક્ષ ભાજપની સંકલન બેઠકમાં પણ કોર્પોરેટરો તડાફડી બોલાવવા લાગતા નવા જુનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.
(3:08 pm IST)