Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

વિવાદોની હારમાળા... ભાજપનો ૨૦મીનો કાર્યક્રમ જ કેન્સલ

શહેર ભાજપના સ્નેહમિલનનો વિવાદ વકરે તેવી શકયતા : પાટીલની હાજરીમાં યોજાનાર ૨૦મીના 'જનસંઘથી ભાજપ' કાર્યક્રમ જ રદ્દ થતા અનેક તર્કવિતર્ક : શહેર ભાજપમાં મોટા પાયે કચવાટ અને ધુંધવાટ સપાટી ઉપર આવતા શિસ્તબધ્ધ પક્ષની સાખનું ધોવાણ : જાહેરમાં તણખાં ઝર્યા તેની ઉપલા લેવલે નોંધ લેવામાં આવી

રાજકોટઃ તા.૧૬, ૪ દિવસ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ રાજકોટ ખાતે 'જનસંઘથી ભાજપ' ના કાર્યક્રમ સહિતના પ્રોગામમાં હાજરી આપી તેઓ સાંજે ૫ાા વાગે જામનગરના અન્ય કાર્યક્રમમાં હાજરી આપવા જવાના છે. પરંતુ મળતા અહેવાલો મુજબ આ કાર્યક્રમ જ રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંગે ભારે વિવાદ સર્જાયો હતો.

દરમિયાન આ કાર્યક્રમે રાજકોટ શહેર ભાજપમાં મોટો કચવાટ - ધુંધવાટ સર્જયાનું જાણીતું છે. ૨૦મીનો કાર્યક્રમ શહેર ભાજપને ગમ્યો ન હોવાનું પણ બહાર આવ્યું છે. કારણ કે ગઇકાલે શહેર ભાજપ દ્વારા સ્નેહમીલન યોજાઇ ગયું છે. ગોવિંદભાઇ અને ભરતભાઇ દ્વારા ૨૦મીના કાર્યક્રમોની તૈયારી અને આમંત્રણો અપાઇ ગયા હતા.

ભાજપ શહેરના પદાધીકારીઓ હાજર ન રહે તેવી વાત પણ કાને પહોંચાડાયાનું બહાર આવેલ છે.

ગઇકાલના ભાજપ સ્નેહમિલનમાં બોલાચાલી સહિતના વિવાદની ભારે ચર્ચા  છે. શહેર ભાજપના આ સંમેલનમાં આંતરીક વિવાદના તણખા ઝર્યાનું પણ જાણીતું બન્યું છે.

બ્રહ્મસમાજનો કાર્યક્રમ પણ ૨૦મીએ યોજાયો છે તેની સાથે ભાજપ તરફથી શહેર ભાજપને સાથે રાખ્યા વિના 'જનસંઘથી ભાજપ' સુધીના કાર્યકરોનું મિલન યોજાયેલ. જેની આમંત્રણ પત્રીકામાં વિજયભાઇનું નામ નહિ લખવાની વાત બહાર આવેલ.

દરમિયાન ગઇકાલના સ્નેહમીલનમાં આ બાબતે વિજયભાઇએ ગોવિંદભાઇને બોલાવી તેમનું નામ ન લખવાની થતી ચર્ચા વાત કરી હોવાની પણ ચર્ચા છે. અને આ યોગ્ય નથી તેવી વાત થઇ હતી. જો કે ગોવિંદભાઇએ કહેલ કે આ બ્રહ્મસમાજનો કાર્યક્રમ છે. પક્ષનો નથી અને પ્રદેશમાં પુછીને આયોજન થયું છે. જો કે એક તબકકે વિજયભાઇએ એવુ પણ  કહ્યાની વાત છે કે આવો કાર્યક્રમ ન થવો જોઇએ અને થશે તો અમે આવીશું નહિ.

શ્રી વિજયભાઇ આ ગઇકાલના કાર્યક્રમમાં ગોવિંદભાઇ અને નાથાભાઇ સાથે નારાજ સુરમાં વાત કરી રહયા હતા તે જોઇ રામભાઇ ઉભા થયા અને પુછેલ કે શું વાત છે ? ત્યાં  હાજર રહેલાઓ કહે છે કે આ પછી વિજયભાઇએ તેમને સંબોધીને વાત ન હોઇ બેસી જવા કહેલ.

રાજકોટનું આખુ મીડીયા આ બનાવ સમયે ત્યાં હાજર  હતુ. તેથી જેમણે જે જોયું, સમજાયું, જાણ્યું તે પ્રમાણે લખ્યાની  ચર્ચા પણ છે.

રામભાઇ આ પછી ગુસ્સામાં હોવાનું અને એવુ કહેલ કે ગુંડાગીરી નહિ ચાલવા દઉ. જો કે હાજર રહેલા કહે છે કે કશ્યપભાઇ શુકલ ત્યાં હાજર હતા તેમણે રામભાઇ, ગોવિંદભાઇને સમજાવી બેસાડી દિધાની અને વિજયભાઇ સામે આવો વર્તાવ ન કરો તેમ કહયાની પણ ચર્ચા છે.

આમ  ૨૦મી તારીખના જનસંઘથી ભાજપ સુધીના કાર્યક્રમ ઉપર ભારે ગરમાગરમી સર્જાયેલ બાદ હવે આ સંમેલન રદ થયાનું જાણવા મળે છે. શ્રી સી.આર.પાટીલ  રાજકોટ આવવા અને આ સંમેલન અંગે શું નિર્ણય લ્યે છે તે તરફ સહુની મીટ મંડાયેલ હતી.

રસપ્રદ વાત એ છે કે પૂર્વ ગર્વનર, પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા આ ૨૦મીના કાર્યક્રમમાં હાજર રહેવાના હતા. જયારે ગઇકાલના કાર્યક્રમમાં તેઓશ્રી અને રાજકોટના એકમાત્ર રાજયકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી વિવિધ કારણોસર હાજર રહયા ન હતા.

ગઇકાલે યોજાયેલ ભાજપના આ સ્નેહમિલનમાં વિવિધ મોરચાના કાર્યકરો, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ  વાઘાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ  મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કશ્યપભાઈ  શુકલ, જીતુભાઈ  મહેતા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ  મિરાણી, ધનસુખભાઈ  ભંડેરી, મેયર ડો.પ્રદીપ ડવ, પૂર્વ મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, પ્રશાંત કોરાટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

(3:07 pm IST)