Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

જનરલ કોચને એસી કોચમાં બદલવાની તૈયારીમાં છે રેલ્વે

હવે ગરીબો માટે પણ સુહાના સફર ઔર મોસમ હસીન

નવી દિલ્હીઃ ટ્રેનોના જનરલ કોચમાં સફર કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. જો બધુ બરાબર ચાલશે તો મુસાફરોને ઓછા પૈસામાં એસી કોચનો આનંદ મળી શકે છે. કેમ કે રેલ્વે, જનરલ કોચને એસી કંપાર્ટમેન્ટમાં બદલવાની તૈયારીમાં છે. રેલ્વે લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચ એટલે કે સામાન્ય ડબ્બાઓને એસી કોચમાં બદલવાનો વિકલ્પ શોધી રહી છે જેથી વધારે ભાડુ આપવા સક્ષમ ના હોય તેવા મુસાફરોને આરામદાયક મુસાફરી આપી શકાય.

ટીઓઆઇએ સુત્રોના હવાલથી જણાવ્યું કે આ એસી ડબ્બાઓમાં ૧૦૦ થી ૧૨૦ મુસાફરોના બેસવાની વ્યવસ્થા હશે અને સામાન્ય લોકો તેમાં મુસાફરી કરી શકે એટલા માટે ભાડું બહુ ઓછુ હશે. આ ડબ્બા સંપુર્ણપણે રીઝર્વ હશે અને તેમાં ઓટોમેટીક બંધ થતા દરવાજા હશે. રેલ મંત્રાલયમાં આ યોજના પર મંથન સત્ર શરૂ થઇ ગયું છે, પહેલા એસી જનરલ કોચનું નિર્માણ પંજાબના કપૂરથલાની રેલ્વે કોચ ફેકટરીમાં થવાની શકયતા છે.

રાજધાની, શતાબ્દી અને વંદે ભારત જેવી મુખ્ય ટ્રેનો સીવાયની લાંબા અંતરની ટ્રેનોમાં કોરોના મહામારી પહેલા અન રીઝર્વ્ડ સામાન્ય ડબ્બા હતા પણ હવે આ બધા કોચ રીઝર્વ્ડ કોચના સ્વરૂપે ચાલે છે. હાલમાં જ રેલ્વેએ સ્લીપર કલાસના ડબ્બામાં મુસાફરી કરવાનો વિકલ્પ પસંદ કરનાર યાત્રીઓ માટે એસી-૩ ટીયરથી ઓછા ભાડાવાળા એસી ઇકોનોમી કલાસ કોચની તજવીજ કરી. રેલ્વેએ એક ઓલ એસી ઇકોનોમી ટ્રેનની પહેલી સેવા પણ શરૂ કરી. જો રેલ્વેની આ યોજના સફળ થશે તો સામાન્ય જનને ઓછા પૈસામાં એસી મુસાફરીનો આનંદ મળી શકશે.

(1:09 pm IST)