Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સોમવારે તમામ રાજ્યોની તિજોરીને બુસ્ટર ડોઝ આપશે મોદી સરકાર :એક સાથે બે ટેક્સના હપ્તા આપવા નિર્ણય

તમામ રાજ્યોને એકસાથે બે હપ્તામાં કુલ 95000 કરોડ રૂપિયા મોકલવામાં આવશે.

નવી દિલ્હી : મોદી સરકારે રાજ્યોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે એક સાથે બે ટેક્સના હપ્તા આપવાનો નિર્ણય કર્યો છે.

મોદી સરકારે રાજ્યોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે એક સાથે બે ટેક્સના હપ્તા આપવાનો નિર્ણય કર્યો છે.કોરોનાની બીજી લહેર બાદ સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને અર્થવ્યવસ્થા પણ પાટા પર આવી રહી છે. આવી સ્થિતિમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રાજ્યોના ખાતામાં એકસાથે વધુ પૈસા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

22 નવેમ્બરે રાજ્યની ઝોળી ભરવાની છે. મોદી સરકારે નિર્ણય લીધો છે કે, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે રાજ્ય સરકારો પાસે નાણાંની કોઈ અછત ન હોવી જોઈએ. આ માટે કેન્દ્રીય કરમાંથી આ મહિને રાજ્યોના હિસ્સાના એક નહીં પરંતુ બે ટેક્સના હપ્તા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 22 નવેમ્બરે તમામ રાજ્યોને એકસાથે બે હપ્તામાં કુલ 95000 કરોડ રૂપિયા મોકલવામાં આવશે.

એક સાથે બે હપ્તા મોકલવાનો હેતુ રાજ્યની તિજોરીમાં વધુ નાણાં મોકલવાનો છે. આ સાથે, રાજ્યો તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે એકસાથે નાણાં મેળવી શકશે. હકીકતમાં, નાણાપંચની ભલામણ અનુસાર, કેન્દ્ર સરકાર એક વર્ષમાં 14 હપ્તાના રૂપમાં રાજ્યોને અલગ-અલગ કેન્દ્રીય કરમાંથી મળેલી રકમ આપે છે. આમાં 11 હપ્તાઓનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન દર મહિનાની 20મી તારીખે પ્રાપ્ત થાય છે, જ્યારે 3 હપ્તાઓ છેલ્લા મહિનામાં એટલે કે માર્ચમાં આપવામાં આવે છે. જ્યારે આ મુદ્દે હવે સરકારે નક્કી કર્યું છે કે, માર્ચમાં આપવામાં આવનારા ત્રણ હપ્તામાંથી એક હપ્તો નવેમ્બર મહિનામાં જ આપી દેવાશે.

ઉદાહરણ તરીકે, જ્યાં ઉત્તર પ્રદેશને નવેમ્બરના હપ્તામાં 8528 કરોડ રૂપિયા મળતી હતી, હવે બે હપ્તા મળીને કુલ 17056 કરોડ રૂપિયા મળશે. બંગાળને રૂ. 3576 કરોડને બદલે રૂ. 7152 કરોડ મળશે, જ્યારે મહારાષ્ટ્રને રૂ. 3003 કરોડને બદલે રૂ. 6006 કરોડ મળશે.

સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાણા મંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકનો ઉદ્દેશ્ય કોરોનાની બીજી લહેર પછી પાટા પર આવી રહેલી અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે એક સામાન્ય કાર્ય યોજના ઘડવાનો હતો. આ બેઠકમાં ઉત્તર પ્રદેશ સહિત 15 રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા, જ્યારે 11 રાજ્યોના નાણા મંત્રીઓ તેમના વતી હાજર રહ્યાં હતા. બેઠક બાદ નિર્મલા સીતારમણે રાજ્યોને એકસાથે ટેક્સના હપ્તાની રકમ ચૂકવાવનો નિર્ણય કર્યો છે.

(11:34 am IST)