Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

નવી ઉપાધિ

GST.. વેપાર ૬૦ ટકા વધશે તો પણ નોટિસ મળશે

વેપારમાં ૬૦ ટકાનો વધારો થયો તો જીએસટી વિભાગ વેપારીને નોટિસ આપશે : વેપારમાં વધારો થવાનાં કારણો રજૂ કરવા સિસ્ટમ જનરેટેડ નોટિસ જ ફટકારવામાં આવશે

નવી દિલ્હી, તા.૧૬: કોરોનાકાળ બાદ વેપારીઓના ટર્નઓવરમાં વધારો થવાના કારણે ટેકસચોરી કરવાના બદલે ચોપડા પર વધુ ટર્નઓવર દર્શાવવામાં આવે તો પણ હવે જીએસટી વિભાગને નોટિસ ફટકારવાનું શૂરાતન ચડયું છે. તેના કારણે વેપારીઓની પરેશાનીમાં સતત વધારો થઇ રહ્યો છે.

વેપારીઓ દ્વારા દર વર્ષે ભરવામાં આવતા રિટર્નની સમયાંતરે સ્કૂટિની કરવામાં આવતી હોય છે. તેમાં પણ વર્ષના અંતે ભરાતા વાર્ષિક રિટર્નના તો એસેસમેન્ટ કરીને અધિકારીઓ નોટિસ આપવાની કામગીરી કરતા હોય છે. જો કે, તેમાં વેપારીઓના ટર્નઓવરમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો હોય તો નોટિસ આપવામાં આવતી નથી, પરંતુ ૫૦ ટકા કરતા વધારે વધારે વધારો થયો હોય તો નોટિસ આપીને અથવા તો રૂબરૂ બોલાવીને તેની પૂછપરછ કરવામાં આવતી હોય છે. જો કે એસટી પોર્ટલ પર હાલમાં આ સુવિધા જ સિસ્ટમ થકી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેના કારણે વેપારીઓના ટર્નઓવરમાં ૬૦ ટકાનો વધારો થયો હોય તો તેની નોટીસ આપીને ખુલાસો પૂછવામાં આવી રહ્યો છે. તેના કારણે વેપારીઓની પરેશાનીમાં વધારો થવાનો છે, કારણ કે કયા કારણોસર વેપારમાં વધારો થયો તે સહિતના પૂરતા જવાબ આપવાના રહેશે. જો જવાબ આપવામાં નાની સરખી પણ ભૂલ થઇ તો તેની સામે વધુ કાર્યવાહી થવાની પણ શકયતા રહેલી છે. જેથી હાલ તો નોટિસ મળતાની સાથે જ વેપારીઓમાં ઉચાટનો માહોલ જોવા મળી રહ્યો છે.(૨૩.૬)

વેપારીઓ ચોપડા પર ઓછું ટર્નઓવર દર્શાવવાની શકયતા

કોરોનાના કારણે વેપાર પર સીધી અસર જોવા મળી હતી. તેના કારણે કેટલાય વેપારીઓના ટર્નઓવરમાં છેલ્લા બે વર્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો. જયારે કોરોનાના કપરા કાળ પછી છેલ્લા છ મહિનાથી વેપાર ધંધાની ગાડી પાટા પર ચડી રહી છે. તેમાં પણ કાપડના વેપાર સાથે સંકળાયેલાઓના વેપારમાં તો સારી એવી ઘરાકી નીકળી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે અનેક વેપારીઓના વેપારમાં સારો એવો વધારો થયો છે, પરંતુ તે વેપારીઓ ચોપડા પર દર્શાવે તો નોટિસ આવવાની શકયતા રહેલી છે. તેના કારણે ચોપડા પર ઓછો વેપાર દર્શાવીને સરકારી સિસ્ટમથી દૂર રહેવાની પણ તરકીબો શરૂ કરી દીધી છે.(૨૩.૬)

નોટિસ આપતા પહેલા ફેરવિચારણા કરવી જોઇએ

જીએસટી પોર્ટલ પર જ હવે વેપારીઓના ટર્નઓવરની ગણતરી કરવામાં આવી રહી છે. તેમાં છેલ્લા બે વર્ષ કરતાં ચાલુ વર્ષે વેપારમાં ૬૦ ટકાનો વેપાર વધ્યો હોય તો તેવા વેપારીને નોટિસ આપીને જવાબ પૂછવામાં આવી રહ્યા છે. તેના કારણે વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે. જો કે કોરોના બાદ વેપારીઓના વેપારમાં વધારો થયો જ છે. ત્યારે આવી રીતે આપવામાં આવતી નોટિસમાં ફરેવિચારણા કરવામાં આવે તો જ વેપારીઓ પ્રામાણિકતાથી વેપાર કરી શકતા હોય છે. નારાયણ શર્મા(ટેકસ કન્સલ્ટન્ટ)

(10:44 am IST)