Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી બરફની સફેદ ચાદર પથરાઇ : શ્રીનગર-લેહ હાઇવે કરાયો બંધ

થયેલી હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધશે: શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો.

જમ્મુ-કાશ્મીરમાં હવામાને પોતાનો પ્રભાવ છોડવાનું શરૂ કરી દીધું છે. કાશ્મીરના ઘણા વિસ્તારોમાં રવિવારે ભારે હિમવર્ષા નોંધાઇ. જેના કારણે સમગ્ર વિસ્તાર ઠંડોગાર થઇ ગયો. હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ વધશે. હિમવર્ષાના કારણે કાશ્મીરના પહાડી વિસ્તારોમાં બરફની સફેદ ચાદર પથરાઇ ગઇ હતી. તો બીજી તરફ શ્રીનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો.હતો

જોજિલામાં હિમવર્ષા થવાના કારમે શ્રીનગર-લેહ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો. જેના કારણે વાહનોને સુરક્ષિત સ્થળોએ પાર્ક કરી દેવામાં આવ્યા. વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી. આ ઉપરાંત રાજૌરી-પૂંછથી થઇને કાશ્મીરના શોપિયાં સાથે જોડાનારા મુગલ રોડ પર પીરની ગલીમાં પણ ભારે બરફ વરસ્યો છે. જેના કારણે આ રોડને પણ બંધ કરી દેવામાં આવ્યો. જમ્મુ-શ્રીનગર હાઇવે પર હજુ વાહન વ્યહાર સામાન્ય છે. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે જો આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે તો આ માર્ગને પણ બંધ કરવાની ફરજ પડશે.

(12:00 am IST)