Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

કાશ્મીર : ત્રાસવાદી ટોળકીનો પર્દાફાશ, પાંચની ધરપકડ થઈ

કાશ્મીર લોકોમાં દહેશત ફેલાવી રહ્યા હતા : પોલીસ, સીઆરપીએફ અને સેનાની ટીમનું મોટુ સંયુક્ત ઓપરેશન : આતંકવાદી કનેક્શનના સંદર્ભમાં ઉંડી તપાસ

શ્રીનગર, તા.૧૬ : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના એક મોટા કાવતરાનો પદાફાર્શ થયો છે. સુરક્ષા દળોએ આજે બારામુલ્લા જિલ્લામાં પાંચ શકમંદોની ધરપકડ કરી હતી. બારામુલ્લામાં પોલીસ, સીઆરપીએફ, સેનાના સંયુક્ત ટીમે જોરદાર ઓપરેશન હાથ ધર્યું હતું. આ ગાળા દરમિયાન પાંચ શકમંદોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ શકમંદોના ત્રાસવાદી કનેક્શન હોવાની માહિતી સપાટી પર આવ્યા બાદ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ તમામની સુરક્ષા સંસ્થાઓ દ્વારા આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. એમ માનવામાં આવે છે કે, ધરપકડ કરવામાં આવેલા શકમંદોમાં ત્રણ લોકો આ વિસ્તારમાં લશ્કર તોયબાના ધમકી ભરેલા પોસ્ટરો લગાવીને લોકોને વચ્ચે દહેશત ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુરક્ષા દળોને બારામુલ્લાના સોપોરે વિસ્તારમાં પાંચ ત્રાસવાદીઓના આતંકી કાવતરામાં શામેલ હોવાની માહિતી મળી હતી.

                  ગુપ્ત માહિતી મળ્યા બાદ સેનાએ સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસની સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ જુદા જુદા સ્થળોથી પાંચ શકમંદોની અટકાયત કરવામાં આવી હતી. સુત્રોના કહેવા મુજબ આ લોકોની પાસેથી  લશ્કર તોયબાના વિવાદાસ્પદ પોસ્ટર અને કેટલીક ગુપ્ત ચીજવસ્તુઓ મળી આવી હતી. જેને ધ્યાનમાં લઈને સુરક્ષા સંસ્થાઓના અધિકારીઓએ પુછપરછ શરૂ કરી હતી. બીજી નવેમ્બરના દિવસે જમ્મુ કાશ્મીરમાં સેનાએ લશ્કર તોયબાના એક ત્રાસવાદીની ધરપકડ કરી હતી. સેનાએ સીઆરપીએફ અને પોલીસની સાથે બારામુલ્લાના સોપોરેમાંથી જ તોયબાના ત્રાસવાદી દાનિસ ચન્નાની ધરપકડ કરી હતી. તેની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી તપાસ જારી રહી હતી.

(7:29 pm IST)