Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

પાણી સંદર્ભે રેન્કિંગ : દિલ્હીનું પાણી સૌથી ખરાબ નિકળ્યું છે

મુંબઈનું પાણી ગુણવત્તાની દ્રષ્ટિએ સર્વોત્તમ છે : પાણીની ગુણવત્તાના આધાર પર ૨૧ શહેરોની યાદી જારી

નવી દિલ્હી, તા.૧૬ : દિલ્હીમાં વાયુ પ્રદુષણની સાથે સાથે પાણીને લઈને પણ સ્થિતિ ખુબ ખરાબ છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના ૨૧ શહેરોમાં પાણીના નમૂનાની તપાસ કર્યા બાદ એક યાદી જારી કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા પાણીના રેન્કિંગને લઈને યાદી જારી કરવામાં આવી છે. આ યાદીમાં મુંબઈ પાણીના મામલામાં સૌથી શ્રેષ્ઠ છે. જ્યારે દિલ્હીનું પાણી સૌથી પ્રદુષિત અને ખરાબ હોવાની વિગત સપાટી પર આવી છે. કેન્દ્રિય ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને આજે  પાણીની ગુણવત્તાના આધાર પર ૨૧ શહેરોની યાદી જારી કરી દીધી છે. આ યાદીમાં ટોપ પાંચ શહેરોમાં ક્રમશઃ મુંબઈ, હૈદરાબાદ, ભુવનેશ્વર, રાંચી અને રાયપુર છે. જ્યારે બાકીના શહેરોમાં ક્રમશઃ અમરાવતી, શિમલા, ચંદીગઢ, ત્રિવેન્દ્રમ, પટના, ભોપાલ, ગુવાહાટી, બેગ્લોર, ગાંધીનગર, લખનૌ, જમ્મુ, જયપુર, દહેરાદુન, ચેન્નઈ, કોલકત્તા, દિલ્હીના સ્થાન આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડને દેશભરના જુદા જુદા શહેરોથી પાણીના નમૂના એકત્રિત કરીને તેમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તે મુજબ જ રેન્કિંગ જારી કરવામાં આવી છે.

                         પાસવાને આજે પાણીની ગુણવત્તાના રિપોર્ટ અને રેન્કિંગ જારી કરીને પત્રકાર પરિષદને સંબોધી હતી. અને કહ્યું હતું કે, પાણીના નમૂનાની તપાસ દસ માપદંડના આધાર ઉપર કરવામાં આવી છે. પાસવાને કહ્યું હતું કે, મંુબઈનું પાણી દરેક માપદંડ ઉપર પાસ થયું છે. જ્યારે આ માપદંડ ઉપર અન્ય શહેરોની સરખામણીમાં દિલ્હીનો દેખાવ ખરાબ રહ્યો છે. મંત્રીએ કહ્યું છે કે, અમે કોઈ સરકારને દોષ આપી રહ્યા નથી. દિલ્હી સરકાર આ બાબત સમજે કે અમે આ મુદ્દા પર રાજનિતિ કરી રહ્યા નથી બલકે અમારો ઈરાદો લોકો સુધી શુદ્ધ અને સ્વચ્છ પાણી પહોંચડવાનો રહેલો છે. કેન્દ્ર સરકાર દ્વારા રેન્કિંગ જારી કરવામાં આવ્યા બાદ આની ચર્ચા છે.

(7:32 pm IST)