Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રાફેલ : રાહુલ ગાંધીની સામે ભાજપ કાર્યકરોના ઉગ્ર દેખાવ યથાવત

દિલ્હીથી લઈ કોલકત્તા સુધી હલ્લાબોલ કાર્યક્રમ : સુપ્રીમ કોર્ટે રાફેલ ફેરવિચારણા અરજીઓને ફગાવી દીધા બાદ રાહુલ ગાંધી સામે ભાજપ કાર્યકર લડાયક : માફીની માંગ

નવી દિલ્હી, તા. ૧૬ : રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની સામે જોરદાર મોરચો ખોલી દઈને આક્રમક ઝુંબેશ શરૂ કરી દીધી છે. રાહુલ સામે હલ્લાબોલના ભાગરૂપે દિલ્હીથી લઈને કોલકત્તા સુધી પ્રદર્શન કરવામાં આવ્યા હતા. રાહુલના પોસ્ટરો ફાડવામાં આવ્યા હતા. દિલ્હીથી લઈને પશ્વિમ બંગાળ સુધી કોંગ્રેસની સામે પ્રદર્શન કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટથી રાફેલ ફેર વિચારણ અરજીઓ ફગાવી દેવામાં આવ્યા બાદ ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધીને માંફી માગવા માટે કહ્યું છે. દિલ્હીમાં ભાજપ કાર્યકરોએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સામે વિરોધ પ્રદર્શન કરીને રાફેલ મુદ્દો ઉઠાવ્યો છે. આ મામલે માંફી માંગવાની વાત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ રાફેલ સોદાબાજી મામલામાં કેન્દ્ર સરકારને ક્લિન ચીટ આપવાના પોતાના ચુકાદાની સામે દાખલ કરવામાં આવેલી ફેરવિચારણ અરજીને ફગાવી દીધી હતી.

                      ભાજપનું કહેવુ છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કોંગ્રેસી નેતા અને  તેમની પાર્ટીના જુઠ્ઠાણા સપાટી પર લાવી દીધા છે. આજે ભાજપના કાર્યકરોએ દિલ્હીથી લઈને કોલકત્તા સુધી જોરદાર દેખાવો કર્યા હતા. પશ્વિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરો ઉગ્ર દેખાયા હતા. આ લોકોએ માર્ગો ઉપર મુકવામાં આવેલા રાહુલ ગાંધીના પોસ્ટર ફાડી દીધા હતા. નવી દિલ્હીમાં ભાજપ કાર્યકરોએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સામે વિરોધ પ્રદર્સન કર્યા હતા. આ ગાળા દરમિયાન તેમની પોલીસ સાથે પણ જોરદાર જપાજપી થઈ હતી. ભાજપ મહાસચિવ ભુપેન્દ્ર યાદવે શુક્રવારના દિવસે દાવો કર્યો હતો કે, ભાજપના કાર્યકરો જિલ્લા સ્તર પર વિરોધ પ્રદર્શન કરનાર છે. આ દિશામાં દેખાવોનો દોર જારી રહ્યો હતો. દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીના નેતૃત્વમાં પાર્ટીના કાર્યકરોએ જોરદાર દેખાવો કર્યા હતા.

(7:25 pm IST)