Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સંસદમાં શિવસેના વિપક્ષની છાવણીમાં જ દેખાશે : સંજય રાવત

આજની એનડીએની બેઠકમાં પણ ભાગ લેશે નહીં : ભાજપ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી નથી પરંતુ હવે ભાજપ સાથે નથી : બંને વચ્ચે મતભેદો ચરમ સીમા પર

નવી દિલ્હી , તા. ૧૬ : મહારાષ્ટ્રમાં સરકારની રચના લઈને ભાજપ સાથે જોરદાર વિખવાદ થયા બાદ અલગ થનાર શિવસેના હવે સંસદમાં વિપક્ષી છાવણીમાં બેસનાર છે. રાજ્યસભાના સુત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, સોમવારથી શરૂ થઈ રહેલા સત્રમાં શિવસેના સાંસદ સંજય રાવત અને અનિલ દેસાઈ વિપક્ષી બેંચ ઉપર બેસશે. એમ માનવામાં આવે છે કે, શિવસેનાના ૧૮ લોકસભા સાંસદ પણ વિપક્ષી ટીમમાં બેસશે. જે હજુ સુધી શાસક પક્ષની છાવણીમાં બેસતા હતા. શિવસેના મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની તૈયારીમાં છે. શિવસેના અને ભાજપ તરફથી ગઠબંધન તુટી જવાને લઈને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પરંતુ વર્તમાન ઘટનાક્રમથી સ્પષ્ટ છે કે, હવે શિવસેના એનડીએના હિસ્સા તરીકે નથી. રવિવારના દિવસે એનડીએની સંસદીય દળની બેઠક પર યોજાનાર છે. જેમાં ભાગ લેવાનો શિવસેનાએ ઈન્કાર કરી દીધો છે.

                   આવતીકાલે શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ પણ છે. આશરે ત્રણ દશક સુધી ભાજપની સાથી પાર્ટી તરીકે રહેલી શિવસેનાએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ બાદ ભાજપ સાથે છેડો ફાડી લેવાની તૈયારી દર્શાવી છે. બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેની લીડરશીપવાળી શિવસેનાને વૈચારિક રીતે ભાજપ સમકક્ષ ગણવામાં આવે છે. પરંતુ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર  બનાવવાની તૈયારી દર્શાવ્યા બાદ ભાજપ અને શિવસેના અલગ થઈ ગયા છે. શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાવતે કહ્યું છે કે, આવતીકાલે રવિવારના દિવસે એનડીએની બેઠકમાં શિવસેનાના કોઈ પણ સાંસદ પહોંચશે નહીં. ૧૧મી નવેમ્બરના દિવસે અરવિંદ સાવંતે મંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું.

                        ત્યારબાદ શિવસેના કેન્દ્ર સરકારમાંથી બહાર થઈ ચુકી છે. એવા અહેવાલ પણ મળી રહ્યા છે કે, શિવસેનાની સાથે મળીને સરકાર બનાવવાના મુદ્દે રાજી થયેલી એનસીપી અને કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારના મુખ્યમંત્રી બનાવવા માટે ઈચ્છુક છે. કેટલાક સુત્રોએ કહ્યું છે કે, બંને પક્ષોએ શિવસેનાને કહ્યું છે કે, તેઓ ઉદ્ધવ ઉપરાંત તેમની પાર્ટીમાંથી કોઈ અન્યને ગઠબંધન સરકારના મુખ્યમંત્રી તરીકે જોવા માટે ઈચ્છુક નથી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ હજુ સુધી સરકારની રચના થઈ શકી નથી. વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને બહુમતી મળી ન હતી. સૌથી મોટી પાર્ટી રહેલી ભારતીય જનતા પાર્ટીએ સરકાર રચવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ દ્વારા સરકાર રચવાની કવાયત હાથ ધરવામાં આવી છે. શિવસેના સાથે ભાજપના સંબંધો એકદમ વણસી ગયા છે.

(7:24 pm IST)