Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સારા સંબંધ ઇચ્છતું હોય તો પાકિસ્તાન પહેલા ગુનેગારોને સોંપે : વિદેશ પ્રધાન જયશંકરની ચોખ્ખી વાત

ઇમરાનની કાલીઘેલી વાતોનો ભારતે છેદ ઉડાડી દીધો

લંડન  :  વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહયું છે કે, પાકિસ્તાન સાથે સંબધો જટીલ બની ગયા છે, કેમ કે તે ખુલ્લેઆમ ભારત વિરોધી આતંકવાદને પ્રોત્સાહન આપે છે.

તેમણે એમ પણ કહયું કે જો ઇસ્લામાબાદ નવી દિલ્હી સાથે સહયોગ કરવા માટે ગંભીર હોય તો તેમણે પાકિસ્તાનમાં રહેતા વોન્ટેડ ભારતીઓને સોંપી દેવા જોઇએ. તેમણે એક ઇન્ટરવ્યુંમાં કહયુંકે પાકિસ્તાન ભારતમાં આતંકવાદીઓને  મોકલવાની ના નથી પાડતું બંન્ને દેશોના સંબંધો અંગે તેમણે કહયું કે ઘણા વર્ષોથી આ સંબધો જટીલ બન્યા છે. કેમકે પાકિસ્તાને એક મહત્વપૂર્ણ આતંકવાદી ઉદ્યોગ વિકસીત કર્યો છે અને હુમલો કરવા માટે આતંકવાદીઓને ભારતમાં મોકલે છે. પાકિસ્તાન પોતે આ બાબતનો ઇન્કાર નથી કરતું.

ભારત સાથેના સંબંધો નહીવત હોવાના પાકિસ્તાની વિદેશપ્રધાનના તાજેતરના બયાન બાબતે જયશંકરે કહયું કે કયો દેશ એવા પાડોશી દેશ સાથે સંબંધ રાખવા તૈયાર થશે જે તેની સાથે આતંકવાદને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપતો હોય.

કાશ્મીરની પરિસ્થિતી અંગે જયશંકરે કહયું કે, ઓગષ્ટ પછી કેટલાક સાવચેતીના પગલા લેવાયા છે, જેથી કટ્ટરપંથી અને અલગતાવાદી તત્વો દ્વારા હિંસક કાર્યવાહીના જોખમ ને ટાળી શકાય, પણ હવે સ્થિતી સામાન્ય થઇ રહી છે. પ્રતિબંધોને ધીમે ધીમે ઘટાડી દેવાયા છે. ટેલીફોન અને મોબાઇલ સેવાઓ ચાલુ કરી દેવાઇ છે. દુકાનો ખુલી ગઇ છે. સફરજનની ખેતી થઇ રહી છે. તેમણે કહયું કે સ્થિતી સંપૂર્ણ સુરક્ષિત થશે એટલે વિદેશી પત્રકારોને આમંત્રિત કરવામાં આવશે.

(3:28 pm IST)