Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

મધ્યપ્રદેશમાં હિન્દુ મહાસભાએ નાથુરામ ગોડસેને ફાંસીની 70મી વર્ષગાંઠ બલિદાન દિવસ તરીકે ઉજવી

કાર્યક્રમ બાદ મહાસભાના નેતાઓએ સીએમ કમલનાથને સંબોધિત એક આવેદન પણ આપ્યું

ભોપાલ : હિન્દુ મહાસભાએ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસે અને તેમના મુખ્ય સહાયક નારાયણ આપ્ટેને ફાંસી આપવાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ ઉજવણી મધ્યપ્રદેશના દૌલતગંજમાં હિન્દુ મહાસભાની ઓફિસમાં બલિદાન દિવસ તરીકે કરી હતી. હિન્દુ મહાસભાના ઉપાધ્યક્ષ જયવીર ભારદ્વાજે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ પહેલી વખત નથી જ્યારે અમે નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેની હત્યાની વર્ષગાંઠને બલિદાન દિવસ તરીકે ઉજવીએ છીએ.

કાર્યક્રમ બાદ મહાસભાના નેતાઓએ સીએમ કમલનાથને સંબોધિત એક આવેદન પણ સ્થાનિક વહીવટના પ્રતિનિધિઓને સુપરત કર્યું હતું. તેમાં ચાર માગણીઓ સામેલ છે. પ્રથમ માગ એ છે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ ગોડસેના નિવેદનને શાળાકીય અભ્યાસક્રમમાં સામેલ કરવું જોઈએ જેથી યુવા પેઢીને તેમના વાસ્તવિક રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ વિશે જણાવી શકાય. બીજી માગ એ છે કે, જેમ પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે જ રીતે દસમા શીખ ગુરુ ગોવિંદસિંહના બે પુત્રોની શહાદતને બાળ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવવો જોઈએ. ત્રીજી માગ એ છે કે નાથુરામ ગોડસેની પ્રતિમા જેને સ્થાનિક વહીવટ-પોલીસે 2017માં મહાસભાની ઓફિસથી જપ્ત કરી હતી, તે પરત આપવામાં આવે. ચોથી માગ એ છે કે જેઓ JNU કેમ્પસમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા સાથે ચેડા કર્યા છે તેમની દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવે.

જો કે સ્થાનિક પોલીસ અને પ્રશાસનના લોકો હિન્દુ મહાસભાની ઓફિસની બહાર હાજર હતા, પરંતુ તેઓ પગલા લેવાને બદલે રાહ જોતા રહ્યા અને આવેદન લઇને ચાલ્યા ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા ભાજપ સત્તા પર હતી ત્યારે મહાસભાના કાર્યકરોએ તેમના કાર્યાલય પરિસરમાં હુતાત્મા નાથુરામ ગોડસે મંદિર સ્થાપિત કરીને ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કાર્યવાહી કરીને મૂર્તિ કબજે કરી હતી. જ્યારે રાજ્યમાં છેલ્લા 11 મહિનાથી કોંગ્રેસની સરકાર હોવા છતાં સ્થાનિક વહીવટ-પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

(2:20 pm IST)