Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રંજન ગોગોઇઃ ઐતિહાસિક ચુકાદાઓ માટે હંમેશા યાદ રહેશે

કાલે તા.૧૭ના રોજ સીજેઆઇ નિવૃત થશે : નખશીખ પ્રમાણીક જસ્ટીસ ગોગાઇ પાસે માલીકીનું ઘર પણ નથીઃ તેમના પિતા કોંગ્રેસના અગ્રણી હતા અને આસામના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપેલ

નવી દિલ્હી : ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇએ પોતાના કામકાજનો છેલ્લો દિવસ ગઇકાલે શુક્રવારે સુપ્રીમમાં ચૂકાદાઓ આપી પુર્ણ કર્યો હતો. તેઓ આવતીકાલ તા.૧૭ના રોજ નિવૃત થઇ રહ્યા છે. ત્યારે તેમના વિશેની સંક્ષિપ્ત માહિતી અત્રે વાંચકો માટે પ્રસ્તુત કરીએ છીએ.

રંજન ગોગોઇએ સીજેઆઇ તરીકે લગભગ ૧૩ મહિના ઉપર સેવા આપી છે. તેમણે કાર્યકાળ દરમિયાન ૪૭ જેટલા મહત્વના ઐતિહાસિક ચૂકાદાઓ આપ્યા છે. સોમવારે નવા સીજેઆઇ તરીકે જસ્ટીસ શરદ અરવિંદ બોબડે શપથ ગ્રહણ કરનાર છે.

જસ્ટીસ ગોગોઇ અસમ સાથે સંબંધ ધરાવે છે. તેઓ પૂર્વ ચીફ જસ્ટીસ મિશ્રા પછી સુપ્રીમમાં સૌથી સિનીયર હતા. આ પહેલા તેમણે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં મુખ્ય જજ તરીકે સેવા બજાવેલ. ચીફ જસ્ટીસ બન્યા પહેલા તેઓ સુપ્રીમ કોર્ટમાં સીનીયર જજ હતા.

તેમનો જન્મ ૧૮ નવેમ્બર ૧૯૫૪ના રોજ થયો હતો. ૧૯૭૮માં તેમણે વકીલાત શરૂ કરેલ. ગોગોઇને ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૧ના રોજ ગુવાહાટી હાઇકોર્ટના જજ બનાવાયા હતા. તેના ૯ વર્ષ બાદ ૯ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ તેમની ટ્રાન્સફર પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં થયેલ.

જસ્ટીસ ગોગોઇના પિતા કેસવચંદ્ર ગોગોઇ કોંગ્રેસના નેતા હતા અને તેમણે ૧૯૮૨માં ર મહિના માટે આસામના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર પણ સંભાળેલ.

આસામની ડોન બોસ્કો સ્કુલમાં તેમણે શરૂઆતનું શિક્ષણ લીધુ હતુ ત્યારબાદ દિલ્હી ખાતે યુનિવર્સીટીનું શિક્ષણ સ્ટીફન કોલેજમાંથી લીધુ હતુ. જયાં તેમણે ઇતિહાસમાં ગ્રેજયુએશન કર્યુ હતુ. પછી ત્યાંથી જ કાયદાની ડીગ્રી પણ મેળવી હતી.

જાણીને નવાઇ લાગે તેવી વાત છે કે ભારતીય કાયદાના સર્વોચ્ચ પદે રહ્યા છતા પણ રંજન ગોગોઇ પાસે પોતાની માલીકીનું મકાન નથી. વ્યકિતગત સંપતિ પણ તેમની પાસે ખૂબ જ ઓછી છે. તેમની પાસે કોઇ દાગીના નથી અને પત્ની પાસેના દાગીના તેમના લગ્ન સમયના છે.

૧૮ નવેમ્બરના રોજ ગોગોઇ ૬૫ વર્ષના થઇ જશે અને ભારતીય સંવિધાનમાં સીજેઆઇની નિવૃતિની ઉંમર ૬૫ વર્ષની છે. તેમની નિયુકતી ૩ ઓકટોબર ૨૦૧૮ના રોજ કરવામાં આવેલ. સોમવારે તેઓ પોતાની નિવૃતિ પછીનો જન્મદિવસ મનાવશે.

(11:36 am IST)