Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

દેશમાં પાંચ લાખથી વધુ લોકોના વાયુ પ્રદૂષણથી મોત

કોલસો સળગાવવાથી નીકળેલા ધુમાડાથી ૯૭ હજાર લોકોએ જીવ ગુમાવ્યો - હેલ્થ અને કલાઈમેટ ચેન્જ પર લાન્સેટ કાઉન્ટડાઉન ૨૦૧૯નું રિપોર્ટનું તારણ

નવી દિલ્હી, તા.૧૬: દેશની રાજધાની દિલ્હીના લોકો વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સાથે એક ચોંકવનારી રિપોર્ટ આવી છે. ભારતમાં ૨૦૧૬માં પાંચ લાખથી વધુ લોકોના મોત વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તરના કારણે થયા છે, જે પૈકી ૯૭ હજારથી વધુ લોકોના મોત કોલસો સળગાવવાથી નીકળેલા ધુમાડાના કારણે થયા છે.

ગુરુવારે આવેલી એક નવી રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે.હેલ્થ અને કલાઈમેટ ચેન્જ પર લાન્સેટ કાઉન્ટડાઉન ૨૦૧૯ના રિપોર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે, જો ભારતમાં કોલસા આધારીત ઈંધણનો ઉપયોગ બંધ નહીં થાય તો દેશમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધુ બગડશે.

આ રિપોર્ટમાં અનુસાર, દેશમાં કોલસાનો ઉપયોગ ઝડપથી ઓછો કરવાની જરુરત છે. કેમ કે પેરિસ સમજૂતિની પ્રતિબદ્ઘતાઓ પુરી કરવાની ખૂબ જરુરત છે, તો જ વાયુ પ્રદૂષણ પર કાબુ મેળવી શકાશે.

આ રિપોર્ટને વિશ્વની ૩૫ સંસ્થાઓેએ સાથે મળીને તૈયાર કર્યો છે.

રિપોર્ટ અનુસાર, ભારતમાં ૨૦૧૬ થી ૨૦૧૮ સુધી કોલસાનો ઉપયોગ ૧૧ ટકા વધ્યો છે અને ૨૦૧૬માં હવામાં પ્રદૂષણકારી તત્વ(પીએમ ૨.૫) ખતરનાક સ્તરે પહોંચ્યું હતું, જેના કારણે ૫.૨૯ લાખથી વધુ લોકોના મોત થયા, આ પૈકી ૯૭,૪૦૦થી વધુ મામલામાં કોલસાના ધુમાડાના કારણે મોત થયા હતા.

રિપોર્ટમાં ભારપૂર્વક કહેવાયું છે કે, ઉર્જા વપરાશની પદ્ઘતિ ઝડપથી બદલવી પડશે અને જો ગ્લોબલ વોર્મિંગને ૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય હાંસલ કરવું છે તો ૨૦૧૯થી ૨૦૫૦ સુધી કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં વર્ષ પ્રતિ વર્ષ ઓછામાં ઓછા ૭.૪ ટકાનો કાપ કરવો પડશે.

હેલ્થ અને કલાઈમેટ ચેન્જ પર લાન્સેટ કાઉન્ટડાઉન ૨૦૧૯ના રિપોર્ટ અનુસાર કોલસાના ઈંધણનો ઉપયોગ તબક્કાવાર રીતે સમાપ્ત કરવો જરુરી છે. આવું ફકત જળવાયુ પરિવર્તન ખતમ કરવા માટે નહીં પરંતુ વાયુ પ્રદુષણથી મૃત્યુ દરને ઓછો કરવા માટે કરવું જરુરી છે.

સંયુકત રાષ્ટ્રની એજન્સીઓની પ્રત્યેક મહાદ્વિપમાં આવેલી શાખાઓ અને ૩૫ અગ્રણી સંસ્થાઓના તારણ અને સહમતી પર આધારિત રિપોર્ટમાં કહેવાયું છે કે, વૈશ્વિક ઊર્જા સપ્લાયમાં તેલ બાદ કોલસાનું યોગદાન બીજા ક્રમે છે. વૈશ્વિક વિદ્યુત ઉત્પાદનમાં સૌથી વધુ ૩૮ ટકા ભાગીદારી કોલસાની છે, જયારે બીજા ક્રમે ગેસથી ફકત ૨૩ ટકા વીજળી ઉત્પાદન થઈ રહી છે.

આ રિપોર્ટ મુજબ કોલસાથી પ્રાપ્ત થતી કુલ પ્રાથમિક ઉર્જા સપ્યાલમાં સૌથી વધુ વધારો એશિયા, એમાં ખાસ કરીને ચીન, ભારત તથા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં નોંધાયો છે.

આ વર્ષની શરુઆતમાં સ્વિત્ઝરલેન્ડની એક સંસ્થા તરફથી કરાયેલા સ્ટડીમાં ભારતમાં કોલસાના ઉપયોગ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં ચીન અને અમેરિકાને કોલસા આધારિત ઉર્જાના સૌથી મોટા ઉત્પાદક માનવામાં આવ્યા હતા, પરંતુ પોતાની ખરાબ સિસ્ટમ અને જૂના માળખાના કારણે ભારતીય કોલસા આધારીત ઉર્જા પ્લાન્ટથી નીકળતા ધુમાડાને કારણે સૌથી વધુ મોત થયાનો દાવો કરાયો છે.

(9:54 am IST)