Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

કાલે રાત્રે હેમુ ગઢવી હોલમાં યોજાઇ રહેલી 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ' ગુજરાત્રી પ્રસ્તુત 'મૌજે ગુજરાત'ને માણવા ગુજરાત્રીયન્સ અધીરા

આતુરતાનો અંત-કાલે રાતે ૯ વાગ્યે 'મૌજે ગુજરાત': 'ગુજરાતી નરબંકા જાગે દેશદેશાવર ડંકા વાગે'...જબરદસ્ત થીમ સોંગને ૪II લાખ લોકોએ માણ્યું

કરે રોજ રોજ મૌજે ગુજરાત, લહેર લહેર મોજે ગુજરાત ડગર ડગર મોજે ગુજરાત...જેવા અદ્દભુત શબ્દો અને જોમ ચડાવતું સંગીત તેમજ સુમધુર સ્વર ગીતને વધુ સૂરીલુ બનાવે છેઃ થીમમાં સમગ્ર ગુજરાતની ઝાંખી પણ થઇ રહી છે : થીમ સોંગનું લેખન કવિશ્રી ડો. રઇશ મણિયારનું: સંગીતથી મઢ્યું છે પ્રણવ વોરાએ અને ગીતનું મિકસીંગ કર્યુ છે હર્ષીત આચાર્યએઃ વિરલ રાચ્છના નિર્દેશનમાં બનેલા આ ગીતને કંઠીલા યુવા ગાયકો હિમાલી વ્યાસ નાયક, આદિત્ય ગઢવી, પ્રહર વોરા, અને ગાથા પોટાએ સ્વર આપ્યો છે

રાજકોટ તા. ૧૫: 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ ઇન્ટિએટિવ' ગુજરાત્રી આયોજીત ત્રીજો ધમાકેદાર નવો નક્કોર નોખો અનોખો કાર્યક્રમ 'મૌજે ગુજરાત' માણવા સૌ ગુજરાત્રીયન્સ અધીરા બની રહ્યા છે...બસ હવે થોડા જ કલાકો...આવતી કાલે બરાબર રાતે ૯:૦૦ કલાકે આ ઇવેન્ટનો પ્રારંભ થઇ જશે, જો જો સમય ચુકતા નહિ. કારણ કે એન્ટ્રી પાસ હશે તો પણ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ છે. તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે ગઇ રાતે જ 'મૌજે ગુજરાત' ઇવેન્ટનું ધમાકેદાર જબરદસ્ત થીમ સોંગ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેને ગણતરીના કલાકોમાં ૪ાા લાખથી વધુ ચાહકોએ નિહાળી લીધું છે.

મૌજ ગુજરાત માણવા માટે હર કોઇ ગુજરાતીયનન્સ અધીરા છે, અધીરા કેમ ન હોય?...અગાઉની બે અવિસ્મરણીય ઇવેન્ટ કોકટેલ દેસી અને લાઇફ મંત્રએ ગુજરાતીઓના દિલમાં જે જાદૂ જગાવ્યો છે એ જાદૂ ફરીથી આ ત્રીજી ઇવેન્ટમાં છવાઇ જવાનો છે તેમાં કોઇ બેમત નથી. 'મૌજે ગુજરાત' માટે સંગીતકાર, લેખક, નિર્દેશક, કમ્પોઝીટર અને ગાયકોની સમગ્ર ટીમે સાથે મળી એક જબરદસ્ત 'થીમ સોંગ' તૈયાર કર્યુ છે. 'હેએએએએ... ગુજરાતી નરબંકા જાગે દેશદેશાવર ડંકા વાગે, નીકળી નર નારીની ફૌજ....' જેવા શબ્દો સાથે ગીતને યુવા ગાયકોની ટીમે કર્ણપ્રિય કંઠથી મીઠુ મધુરૂ બનાવી દીધું છે. 'અકિલા ન્યુઝ.કોમ' પર આ થીમ સોંગ રિલીઝ થતાની સાથે જ સાડા ચાર લાખ વ્યુઝ મળી ગયા છે...જે થીમ સોંગ કેટલુ મસ્ત છે તેની સાબિતી આપે છે.

જોરદાર, જોમ ચડાવતા અને થીરકાવી દેતાં આ થીમ સોંગનું લેખન કવિશ્રી ડો. રઇશ મણિયારે કર્યુ છે. તો રિલીઝ સાથે જ ગુજરાત્રીયન્સની જીભે ચડી ગયેલા આ થીમ સોંગને જબરદસ્ત સંગીતથી મઢ્યું છે પ્રણવ વોરાએ. ગીતનું મિકસીંગનું કામ હર્ષીત આચાર્યએ સંભાળ્યું છે.

વિરલ રાચ્છના નિર્દેશનમાં બનેલા આ ગીતને કંઠીલા યુવા ગાયકો હિમાલી વ્યાસ નાયક, આદિત્ય ગઢવી, પ્રહર વોરા, અને ગાથા પોટાએ સ્વર આપ્યો છે. જ્યારે મિલીન્દ ગઢવી, હિરેન સુબા અને પિયુષ ખખ્ખરે થીમ સોંગ બનાવવામાં સહકાર આપ્યો છે. 

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ અગાઉ કોકટેલ દેસી અને લાઇફ મંત્ર જેવી બે સફળતમ અને અવિસ્મરણીય ઇવેન્ટ્સ આપી ચુકયા પછી  હવે ત્રીજી ઇવેન્ટ લાવ્યું છે તેને 'મૌજે ગુજરાત' નામ અપાયું છે. નામ મુજબ જ આ કાર્યક્રમમાં આવતી કાલે રાતે શ્રી હેમુ ગઢવી નાટ્ય ગૃહ (સરગમ કલબ સંચાલિત) ખાતે સૌ કોઇને ચોક્કસ મોજ પડી જશે.  ગુજરાતીતાનું ગરવું સરનામુ બની ગયેલ ગુજરાત્રી પ્રસ્તુત-'મૌજે ગુજરાત-ટેલ્સ એન્ડ સોંગ્સ ઓફ ગુજરાત'ના આ પ્રથમ શોમાં ગુજરાત રાજ્યના અલગ-અલગ પ્રાંતોની અમર ગણાતી કહાનીઓ રજૂ કરવામાં આવશે. તો સાથો સાથ ગુજરાતી ભજનો અને ગીતો પણ રજૂ થશે.  એટલુ જ નહિ હાસ્ય અને પારંપરિક વાતોનો પટારો પણ ચોક્કસ ખુલશે. ટૂંકમાં કહીએ તો ત્રણ કલાકથી વધુ ચાલનારા 'મૌજે ગુજરાત'માં હરકોઇને જલ્સો પડી જવાનો છે. આથી જ તો સો ગુજરાત્રીયન્સ શનિવારની સાંજની આતુરતાથી રાહ નિહાળી રહ્યા છે.

ગુજરાતની જનતાને કંઇક નવું જ આપવું તેવો અકિલાના શ્રી નિમિષભાઈ ગણાત્રા અને તેમના ખાસ મિત્ર શ્રી હિરેનભાઈ સુબાને આવેલો વિચાર આજે હવે ત્રીજી ઇવેન્ટ  'મોજે ગુજરાત' થકી આગળ વધી રહ્યો છે. ગુજરાતના પોતાના સાહિત્યની મીઠીમધુરી મીઠાસ અને સાહિત્યને ઉજાગર કરવાનો એક વિચાર સફળતાની સીડી સડસડાટ ચડી રહ્યો છે. ગુજરાત્રીના માધ્યમથી એવા કન્સેપ્ટ રજૂ કરવામાં આવી રહ્યા છે જે તમામ ગુજરાતીઓને ગુજરાતી ભાષા સાથે પ્રેમ કરાવે છે. નવી જ વિચારધારા સાથેે અકિલા ઇન્ડિયા ઇવેન્ટ આ વખતે ત્રીજી સિઝનમાં 'મૌજે ગુજરાત' લાવ્યું છે.

મૌજે ગુજરાતમાં સાહિત્ય, વાર્તાઓ, લોકકથાઓ, લોક વાયકાઓ, ગીતો અને ભજનોનો રસથાળ. આ રસથાળને નવી નક્કોર થીમ સાથે મધમધતી બનાવવા પહેલી સીઝન કોકટેલ દેસી અને બીજી સીઝન લાઇફ મંત્રના મહારથીઓ સાથે નવા સિતારાઓ પણ આ વખતે તાલ મિલાવશે. હૃદયમાં આપણા સાહિત્યની આભા અને ઠસ્સો જેમનો તેમ રાખી  પ્રવર્તમાન યુગની લગોલગ શણગારી અને પીરસવાનો સંગીતમય રસથાળ મૌજે ગુજરાતમાં માણી શકાશે...બસ અબ થોડા સા ઇન્તઝાર.

શ્રી નીમિષભાઈ ગણાત્રાની હિમત, હિરેનભાઈ સુબાનું સંકલન, વિરલભાઈ અને મિલિન્દભાઈનું મજાનું અને મોજીલું તેમજ મજેદાર સંચાલન તો આપણે લાગટ બધી સીઝનમાં ભરપુર રીતે માણ્યું જ છે અને આ સીઝન એટલે કે 'મૌજે ગુજરાત'માં પણ અવિરત રહેશે જ. પણ આ મૌજ માણવા આવતી કાલે રાતે મોડામાં મોડા પોણા નવ વાગ્યે શ્રી હેમુ ગઢવી હોલમાં પ્રવેશ મેળવી લેવો અત્યંત જરૂરી છે.

'મૌજે ગુજરાત' થીમ સોંગ રિલીઝ થતા જ ૪II લાખ લોકોએ સુધી પહોંચી ગયુ છે તે આ સાથેના સ્ક્રીનશોટમાં જોઇ શકાય છે

થીમ સોંગ ફેસબુક લીન્કઃ https://bit.ly/2XdqmC1

કાલે આટલા સિતારાઓ સૌને મંત્રમુગ્ધ કરશે

હિમાલી વ્યાસ નાયકઃ  જેમણે પહેલી સીઝનમાં ધમાકેદાર પરફોર્મન્સથી રાજકોટની જનતાને પોતાના સુરની પકડથી જુમાવ્યા હતાં, જેમની પાસે દિવાળીબેનના ભજનથી લઇને સકીરાના રોક, બખૂબી ગાઈ શકવાની રેંજ - પ્રતિભા છે. જેમનું શાસ્ત્રીય ટચ આપેલું વીજળીને ચમકારે...હજુ કાનમાં ગુંજે છે, તે કલાકાર હેમાલીના સુરનું નવું રૂપ સાંભળવા મળશે.

આદિત્ય ગઢવીઃ ઇસરદાન ગઢવીએ ગાઈ અને કહ્યું હતું કે હનુમાન ચાલીસા હમેશાં વીર રસમાં ગાવી જોઈએ, તેવી જ રીતે મેઘાણીના અમુક ગીતો શોર્ય રસમાં જ ગવાય, જેમાંનું એક, 'ચારણકન્યા' એક અલગ અંદાજમાં ગાઈ અને લોકપ્રીય બનાવનાર આદિત્ય ગઢવી તેમના લાક્ષણિક અને ફયુઝન અંદાજથી રાજકોટની જનતાને ઘેલું લગાડશે.

ગાથા પોટાઃ રાજકોટમાં બેન્ડ, બેન્ડમાં પણ એક ગાયિકા, અને તેમાંપણ લોકપ્રીય ગાયિકા, ગાથા પોટા. સૌરાષ્ટ્ર માટે બેન્ડ કલ્ચર હજુ થોડું છેટું છે, છતાં જેમને પોતાના સ્વર અને ગાયિકીથી એક આગવી ઓળખ ઉભી કરી છે તેવાં ગાથા પોટાના સ્વરની સુરાવલી રાજકોટની જનતાને સુખદ સંગીતમય સંભારણા અપાવશે.

પ્રહર વોરાઃ મીઠો કંઠ. શબ્દોને જયારે મધમાં ઓળદ્યોળ કરીને પીરસવાનું કામ આવે ત્યારે પ્રહર યાદ આવે. શબ્દોમાં જેવી મીઠાસ હોઈ તેવી જ મીઠાસ તેમનાં સ્વરની મળે. એટલે કોઈપણ ગીત મીઠું મધુરું થઇ ઉઠે. બસ આવી જ મીઠાસ પ્રહરની તમને ગળ્યું સાંભળવા લલચાવશે.

ડો. રઈશ મણિયારઃ જે વાણીએ માખણ જેવા મૃદુ, પરંતુ તેમના મીઠા ટહુકામાં જયારે કટાક્ષ કરે ત્યારે અર્જુનના તીરની જેમ સીધી જ લક્ષ્ય પર પહોંચે. તેવા સૌના લાડલા જેમને સાહિત્યના બધા રંગની મહારથ હાસિલ છે. તેમના સાહિત્યરૂપી અવનવા રંગોની છોળો ઉડશે અને તમને તેમના રંગમાં રંગી દેશે.

મિલીન્દ ગઢવી-વિરલ રાચ્છઃ પ્રખ્યાત કવિ મિલિન્દ ગઢવી ઉર્દુ અને ગુજરાતી બન્ને ભાષામાં કવિતા કર્મ કરતા સર્જક ઉપરાંત ખુબ જ વિખ્યાત સંચાલક છે. અસ્મિતા પર્વ-૨૦૧૪માં સંચાલન દ્વારા લાખો ગુજરાતીઓમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર કવિ-સંચાલક, દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમને પોતાની ભાવવહી અને અભ્યાસુ રજુઆતથી સૌને રસતરબોળ કરશે. તો વિરલ રાચ્છ ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૭-૦૮માં ગૌરવ પુરસ્કારથી સન્માનિત, દિગ્દર્શક-અભિનેતા-સંકલનકાર, અનેક એવોર્ડથી સન્માનીત કલાકાર છે. પ્રતિષ્ઠિત ૧૧ ચિત્રલેખા એવોર્ડ, ૩ ટ્રાન્સમીડિયા એવોર્ડ,ગ્લોરીયસ ગુજરાતી એવોર્ડ અને અનેક વખત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા શ્રેષ્ઠ દિગ્દર્શન-અભિનેતાના એવોર્ડ, રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સુવર્ણ ચંદ્રકથી સન્માનિત એકમાત્ર દિગ્દર્શક-અભિનેતા છે. તે પણ મૌજે ગુજરાતમાં મૌજ કરાવશે.

(12:00 am IST)