Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

BSF લોકોના ઘરોમાં ઘૂસી હેરાનગતિ કરે એવો ડરઃ પંજાબના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુખજિન્દરસિંહ રંધાવા

બોર્ડરથી ૫૦ કિમી અંદરસુધી કાર્યવાહીની BSFને સત્તા : ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે બીએસએફ દ્વારા ગામડાઓની ઘેરાબંધી કરી લોકોને પરેશાન કરાશે એવો ભય વ્યક્ત કર્યો

ચંદિગઢ, તા.૧૬ : બોર્ડરથી પચાસ કિલોમીટર અંદરના વિસ્તાર સુધી બીએસએફને કાર્યવાહી કરવાની સત્તા કેન્દ્ર સરકારે આપી છે. જેનો પંજાબ સરકાર દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. પંજાબના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સુખજિન્દરસિંહ રંધાવાએ કહ્યુ હતુ કે, બીએસએફને માત્ર બોર્ડર પર જ રાખવી જોઈએ અને બાકીના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પંજાબ પોલીસ પર છોડી દેવી જોઈએ. લોકોને ડર લાગી રહ્યો છે કે, બીએસએફના જવાનો ચેકિંગના નામે ઘરોમાં ઘૂસી જશે, ગામડાઓની ઘેરાબંધી કરશે અને લોકોને હેરાન કરશે.

તેમણએ કહ્યુ હતુ કે, જો બીએસએફ પચાસ કિલોમીટરમાં કાર્યવાહી કરવાના નામે પોતાના મથકો ઉભા કરશે અને લોકો સામે કેસ કરશે તો તે દેશની ફેડરલ સિસ્ટમને નબળો પાડવાનો પ્રયાસ હશે.

કેન્દ્ર સરકારના નિર્ણયથી પંજાબમાં ઈમરજન્સી જેવી સ્થિતિ પેદા થઈ રહી છે. જે ચલાવી નહીં લેવાય, પંજાબ પોલીસના હાથમાં રાજ્ય સુરક્ષિત છે. કેન્દ્ર સરકારે સીમા પારથી આવતા ડ્રગ્સ અને ડ્રોન પર ધ્યાન આપવાની જરૂર છે.

રંધાવાએ કહ્યુ હતુ કે, અત્યારે કેપ્ટન અમરિન્દરસિંહ કેન્દ્ર સરકારના નિર્ણયનુ સમર્થન કરી રહ્યા છે પણ તેમણે જ ૨૦૧૬માં બીએસએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે સાંઠ ગાંઠનો આરોપ લગાવ્યો હતો. 

(7:36 pm IST)