Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

રાજસ્થાનમાં મદ્રેસાને ૧૫થી ૨૦ લાખની સહાય અપાશે

મદ્રેસાઓના આધુનિકીકરણ માટે સરકાર સહાય કરશે : મદરેસાઓને દિવાળી બોનસ આપ્યું, રાજ્ય સરકાર પ્રજાના પૈસાનો દુરૂપયોગ કરી રહી : ભાજપનો આક્ષેપ

રાજસ્થાન, તા.૧૬ : રાજસ્થાનમાં અશોક ગહેલોતની સરકારે રાજ્યની તમામ મદ્રેસાઓને ૧૫ થી લઈને ૨૫ લાખ રૂપિયા સુધીની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

આ રકમ મદરેસાઓઓના આધુનિકીકરણ માટે કરવામાં આવશે. આ સંદર્ભમાં રાજસ્થાન સરકારના લઘુમતી મંત્રાલય દ્વારા એક નિર્દેશ જાહેર કરાયો છે. જે પ્રમાણે રાજસ્થાન મદરેસા બોર્ડમાં રજિસ્ટર થયેલી એ કેટેગરીની મદરેસાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ૨૦ ઓક્ટોબર સુધી અરજી કરવા માટે સમય આપવામાં આવ્યો છે.

સાથે સાથે સરકાર તરફથી કહેવામાં આવ્યુ છે કે, દરેક મદરેસાને આ માટે ૧૫ લાખથી માંડીને ૨૫ લાખ રૂપિયા સુધીની રકમ આપવાની જોગવાઈ કરાઈ છે. બીજી તરફ ભાજપે આ નિર્ણય પર નિશાન સાધ્યુ છે અને ભાજપના આઈટી સેલના પ્રભારી અમિત માલવીયે કહ્યુ છે કે, મહિલાઓ અને દલિતો સામે રાજ્યમાં વધી રહેલા અપરાધો વચ્ચે રાષ્ટ્રીય એકતા માટે કોંગ્રેસ સરકારે અદભૂત નિર્ણય લીધો છે અને મદરેસાઓને દિવાળી બોનસ આપવાનુ નક્કી કર્યુ છે. દરેક મદરેસાને ૧૫ થી ૨૫ લાખ રૂપિયા અપાશે, પ્રજાના પૈસાનો સરકાર દુરૂપયોગ કરી રહી છે.

(7:31 pm IST)