Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

સ્પાઈસજેટનું લાયસન્સ કામચલાઉ સસ્પેન્ડ

ડીજીસીએ સામાનની હેરફેરના નિયમોના ઉલ્લંઘન બદલ લીધેલુ પગલુ ચોક્કસ આંતરરાષ્ટ્રીય વ્યાપારીક ફલાઈટો ઉપરનો પ્રતિબંધ ૩૧ ઓકટોબર સુધી લંબાવાયો

નવી દિલ્હી, તા. ૧૬ :. સ્પાઈસજેટની ઉડાનમાં નિષેધાત્મક સામાનના પરિવહન ઉપર કામચલાઉ ધોરણે ડાયરેકટર જનરલ ઓફ સીવીલ એવીએશને રોક લગાવી દીધી છે. મળતી માહિતી મુજબ સ્પાઈસજેટનુનં લાયસન્સ ૩૦ દિવસો માટે સસ્પેન્ડ કરી દેવાયુ છે. આ દરમિયાન એરલાઈન્સ પોતાની ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં લીથીયમ અને આયર્ન બેટરી સહિતના નિષેધાત્મક સામાન લઈ જવા ઉપર પાબંદી રહેશે. સ્પાઈસજેટના પ્રવકતાનો સંપર્ક કરતા સીધી રીતે લાયસન્સ સસ્પેન્શનનો ઉલ્લેખ કરવાનું ટાળ્યુ હતુ તેમ પીટીઆઈ જણાવે છે.

એરલાઈન્સે કહ્યુ કે એક મામૂલી સમસ્યા હતી જેમાં સામાન મોકલવાવાળાએ એક પેકેજને બીનખતરનાક સામાન દર્શાવ્યો હતો, જ્યારે તેમા રહેલો સામાન ખતરનાક સામાનની યાદીમાં આવતો હતો. ડીજીસીએના નિયમો મુજબ ખતરનાક સામાનમાં એવા પદાર્થ આવે છે જે સ્વાસ્થ્ય, સુરક્ષા, સંપત્તિ કે પર્યાવરણ ઉપર જોખમ પેદા કરી શકે તેવા હોય છે.

આ પહેલા ડીજીસીએ એ કોવિડ-૧૯ના વધતા મામલાઓને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય વ્યાપારીક ઉડાનો ઉપરનો પ્રતિબંધ ૩૧ ઓકટોબર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ઓલ કાર્ગો સંચાલન અને ખાસ કરીને નિયામક દ્વારા માન્ય ફલાઈટોમાં લાગુ નહિ પડે. વિમાન નિયામકે કહ્યુ કે, અનુસૂચિત આંતરરાષ્ટ્રીય ફલાઈટોના મામલાના આધાર ઉપર ખાસ માર્ગો ઉપર છૂટ આપી શકાય છે. ગયા વર્ષે ૨૩ માર્ચે કોવિડને નિયંત્રીત કરવા માટે આંતરરાષ્ટ્રીય ફલાઈટોના સંચાલન ઉપર પ્રતિબંધ લગાવાયો હતો. જો કે પાછળથી કેટલાક દેશો સાથે એર બબલ વ્યવસ્થા અંતર્ગત પ્રતિબંધોમાં છુટછાટ આપવામાં આવી હતી. ભારતે લગભગ ૨૫ દેશો સાથે એર બબલ સમજુતી કરી છે. છેલ્લા ૧ વર્ષથી કેટલાય દેશોમાંથી વંદે ભારત ફલાઈટો ઉડાવાઈ રહી છે.

(4:13 pm IST)