Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કેટરીંગવાળાએ આપઘાતની આપી ધમકી

રાહુલની હાજરીમાં યોજાયેલ ભોજન સમારંભનું બીલ નથી ચૂકવતું કોંગ્રેસ સેવાદળ

જયપુર, તા.૧૬: કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની ઉપસ્થિતીમાં પક્ષના અગ્રણી સંગઠન કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધિવેશનમાં અપાયેલ ભોજનનું પેમેન્ટ હજુ સુધી નથી કરાયું. અઢી વર્ષ પછી પણ પેમેન્ટ ના મળતા કેટરીંગ સંચાલકે આત્મહત્યાની ધમકી આપતા કહ્યું છે કે તેના દ્વારા લેવાનારા પગલા માટે કોંગ્રેસના નેતાઓ જવાબદાર રહેશે. તો કોંગ્રેસ નેતાઓએ આને ષડયંત્ર ગણાવ્યું છે.

રાજસ્થાનના અજમેરમાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે બે દિવસનું રાષ્ટ્રીય અધિવેશન થયુ હતુ જેમાં દેશભરના કાર્યકર્તાઓ સામેલ થયા હતા. આ અધિવેશનનું ઉદઘાટન રાહુલ ગાંધીએ કર્યુ હતું. આ અવસરે મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઇ સહિત કેટલાય નેતાઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં સામેલ થનારા પ્રતિનિધીઓના ભોજન અને નાસ્તા માટે ખંડેલવાલ કેટરીંગ કોન્ટ્રાકટ આપ્યો હતો. પક્ષે કેટરીંગના પેમેન્ટની જવાબદારી આરોગ્ય પ્રધાન ડોકટર રઘુ શર્માને સોંપી હતી.

ખંડેલવાલ કેટરીંગના સંચાલક મિલન ખંડલેવાલનો આક્ષેપ છે કે તેને ૭૧ લાખ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાયો હતો. અધિવેશન દરમ્યાન હોદેદારોએ તેને ૩૬ લાખનું પેમેન્ટ તો આપી દીધું હતું. પણ બાકીના ૩૫ લાખ હજુ સુધી નથી ચુકવ્યા. તેણે વ્યાજ પૈસા લઇને આ સમારંભમાં ભોજનનો પ્રબંધ કર્યો હતોે. હવે વારંવાર માગવા છતાં તેને પૈસા નથી અપાતા.

બે દિવસ પહેલા લાલજી દેસાઇ સેવાદળની મીટીંગમાં સામેલ થવા અજમેર આવ્યા તો મિલને ત્યાં પહોંચીને હંગામો કર્યો હતો. સેવાદળના કાર્યકરોએ તેને ધક્કા મારીને બહાર કાઢયો હતો. હવે મિલને દિલ્હીના કોંગ્રેસ મુખ્યાલયમાં આત્મહત્યા કરવાની ધમકી આપી છે.

(12:56 pm IST)