Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજીઅન એક્ટ : સોશિઅલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા અને આંતર જ્ઞાતિય લગ્નગ્રંથિથી જોડાયેલા હિન્દૂ મુસ્લિમ દંપતી વચ્ચે સમાધાન : પતિ પત્ની બંનેએ સાથે મળી પત્નીએ નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા અરજ કરી : ગુજરાત હાઇકોર્ટે વચગાળાની રાહત આપી : હિન્દૂ યુવતીના મુસ્લિમ પતિ તથા તેના પરિવારના વચગાળાના જામીન મંજુર કર્યા : આગામી મુદત નવેમ્બર માસમાં

અમદાવાદ :  સોશિઅલ મીડિયાના માધ્યમથી 2019 ની સાલમાં સંપર્કમાં આવેલા અને 2021 ના ફેબ્રુઆરી માસમાં લગ્નગ્રંથિથી જોડાયેલા હિન્દૂ મુસ્લિમ દંપતી વચ્ચે સમાધાન થતા પતિ પત્ની બંનેએ સાથે મળી પત્નીએ નોંધાવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા ગુજરાત હાઇકોર્ટમાં અરજ ગુજારી હતી. જેના અનુસંધાને નામદાર કોર્ટે હિન્દૂ યુવતીના મુસ્લિમ પતિ તથા તેના પરિવારના વચગાળાના જામીન મંજુર કર્યા છે.સાથોસાથ ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજીઅન એક્ટના અમુક ભાગનો અમલ જતો કરવો જોઈએ તેવી ટકોર પણ કરી છે.કેસની આગામી મુદત નવેમ્બર માસમાં રાખવામાં આવી છે.

ઘટનાની વિગત મુજબ ફરિયાદી હિન્દૂ યુવતી અને મુસ્લિમ યુવક 2019 ની સાલમાં સોશિઅલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા.અને ફેબ્રુઆરી 2021 માં  લગ્ન થયા બાદ, તેઓ પતિ - પત્ની તરીકે સાથે રહેતા હતા .અરજદારોના જણાવ્યા મુજબ, ત્યારબાદ કેટલાક વૈવાહિક મુદ્દાઓ ઉભા થવાથી મહિલા વૈવાહિક ઘર છોડીને તેના પેરેંટલ હોમમાં રહેવા લાગી હતી.

જૂન 2021 માં, તેણીએ એફઆઈઆર દાખલ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે આરોપી પુરુષે તેની સાથે બળજબરીપૂર્વક સેક્સ માણ્યું
 હતું. તેના અશ્લીલ ફોટોગ્રાફ્સ લીધા હતા,   જેનો ઉપયોગ તેણે મહિલાને બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા અને જાતિવાદી અપશબ્દો માટે કર્યો  કર્યો હતો.

તેણીએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે પતિના સંબંધીઓ પણ આ ગુનાઓ કરવાના ષડયંત્રનો ભાગ હતા. તેના અનુસંધાનમાં, તેના માતાપિતા અને બહેન સામે પ્રથમ માહિતી અહેવાલ નોંધવામાં આવ્યો હતો. બાદમાં, અન્ય સંબંધીઓ અને લગ્ન માટે સાક્ષી/ કાઝીને પણ આરોપી તરીકે દર્શાવાયા હતા.

બાદમાં ફરિયાદી-મહિલા, આરોપી પુરુષ અને તેના સંબંધીઓએ સંયુક્ત રીતે કેસ રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે સમાધાન થઇ ગયું છે.નામદાર કોર્ટે ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજીઅન એક્ટ   મુજબ નોંધાયેલી  ફરિયાદમાં અમુક બાબતો જતી કરી આરોપીઓના વચગાળાના જામીન 10 હજાર રૂપિયાના બોન્ડ સાથે મંજુર કર્યા હતા. કેસની આગામી મુદત નવેમ્બર માસમાં રાખવામાં આવી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:53 am IST)