Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

અયોધ્યા કેસ : યોગી સરકાર એક્શનમાં: ફિલ્ડમાં હાજર તમામ ઓફિસરોની રજા રદ્દ કરી : સ્કૂલોને પણ બંધ કરાવવાની તૈયારી

અયોધ્યામાં કલમ 144 દરમિયાન કોઈપણ પ્રકારની ટીવી ડિબેટ અને ડ્રોન શૂટિંગની મંજૂરી નહીં

લખનઉ:અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીનો અંતિમ દિવસ હતો ત્યારે આ મામલે જલ્દી નિર્ણય સંભળાવી શકે છે. જો કે ચુકાદા પહેલા સુરક્ષાને લઈને ઉત્તર પ્રદેશની યોગી સરકાર અલર્ટ થઈ ગઈ છે. યોગી સરકારે ફિલ્ડમાં હાજર તમામ ઓફિસરોની રજા રદ્દ કરી દીધી છે. આ બાબતે તકેદારીના ભાગરૂપે અયોધ્યામાં બે દિવસ પહેલા 10 ડિસેમ્બર સુધી ધારા 144 લાગુ કરવામાં આવી હતી.

 યોગી સરકારે ફિલ્ડમાં ફરજ બજાવતા તમામ ઓફિસરોની 30 નવેમ્બર સુધીની રજાઓ રદ્દ કરી દીધી છે. બીજી તરફ અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ, અર્ધ સૈનિકબળના જવાનોને ફરજ સોંપવામાં આવશે.
અયોધ્યામાં કલમ 144 દરમિયાન કોઈ પણ પ્રકારની ટીવી ડિબેટ અને ડ્રોન શૂટિંગની મંજૂરી વહિવટી તંત્ર તરફથી આપવામાં નહીં આવે. કોઈ પણ પ્રકારની આશંકાને પહોંચી વળવા માટે તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. સ્કૂલોને પણ બંધ કરવાની તૈયારી ચાલી રહી છે. વહીવટી તંત્રએ 200 સ્કૂલો પસંદ કરી છે, જેમાં પોલીસ ફોર્સને રોકાવાની વ્યવસ્થા કરવામાં આવશે.

(9:54 pm IST)