Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

ઘુસણખોરો કોંગ્રેસના દૂરના ભાઈ લાગે છે : અમિત શાહનો પ્રશ્ન

હરિયાણામાં ઝંઝાવતી ચૂંટણી પ્રચારમાં જોડાયા : કોંગ્રેસની સરકારો ત્રણ ડીના સિદ્ધાંતો પર ચાલે છે : અમિત શાહ

પાનીપત, તા. ૧૬ : મહારાષ્ટ્રની સાથે સાથે હરિયાણામાં પણ આક્રમક ચૂંટણી પ્રચારનો દોર જારી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હરિયાણાના પાનીપતમાં કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, દેશમાંથી ઘુસણખોરોને બહાર કરવામાં આવશે. ઘુસણખોરો કોંગ્રેસના દૂરના ભાઈ હોય તેમ દેખાઈ આવે છે. શાહે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર ત્રણ ડી ઉપર ચાલે છે. પ્રથમ ડી દરબારીઓની સરકાર, બીજા ડી તરીકે દામાદની સરકાર અને ત્રીજા ડી તરીકે દામાદના દલાલોની સરકાર થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરનાર સરકાર કોઇ જગ્યાએ જોઇતી નથી. દેશના તમામ રાજ્યોમાં મજબૂત સરકારો બની રહી છે. અમિત શાહે કહ્યું હતું કે, ઘુસણખોરોના મુદ્દે જ્યારે વાત આવે છે ત્યારે કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવ્યો છે. ઘુસણખોરો કોંગ્રેસના દૂરના સગા હોય તેમ લાગે છે. કલમ ૩૭૦ના મુદ્દા પર પણ અમિત શાહે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું હતું કે, જ્યારે ઘુસણખોરોને દેશની બહાર કરવાની વાત આવે છે ત્યારે કોંગ્રેસ કહે છે કે, ઘુસણખોરોને શા માટે બહાર કરવામાં આવી રહ્યા છે.

            આ લોકો ક્યાં જશે, શું ખાશે પરંતુ તેઓ પુછવા માંગે છે કે, કોંગ્રેસને ઘુસણખોરોને લઇને આટલી ચિંતા કેમ થઇ રહી છે. શાહે યાદ અપાવતા કહ્યું હતું કે, કલમ ૩૭૦ના મુદ્દા ઉપર જ્યારે રાહુલ ગાંધીએ નિવેદન કર્યું ત્યારે પાકિસ્તાને તરત જ આ મુદ્દાને પકડી લઇને આ મુદ્દાને ચગાવીને સમર્થન મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન અને રાહુલ ગાંધીની ભાષા એક સમાન કેમ છે તે સમજાઈ રહ્યું નથી. જો ૩૭૦ને લઇને કોંગ્રેસનું વલણ સ્પષ્ટ છે તો તેમની સરકાર બનશે તો કલમ ૩૭૦ને ફરી લાગૂ કરવામાં આવશે તે વાત કેમ કરતા નથી. ત્રિપલ તલાકને લઇને પણ કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. હરિયામાં ૨૧મી ઓક્ટોબરના દિવસે મતદાન થશે. ૨૪મી ઓક્ટોબરના દિવસે મતગણતરી યોજાશે.

(8:02 pm IST)